વડોદરા, તા.૧૦ 

શહેરના ફતેગંજ પોલીસ મથકમાં મોતને ઘાટ ઉતારાયેલા શેખ બાબુના ચકચાર મામલામાં હાઈકોર્ટમાં દાખલ કરાયેલી હેબિયર્સ કોપર્સનો અદાલતે નિકાલ કરી નાખ્યો છે. જાે કે, વળતર સહિતની બીજી મદદ માટે વડોદરા સેશન્સ કોર્ટમાં જવા માટેની સૂચના વડીઅદાલતે આપી છે. જાે કે, મૃતક શેખ બાબુના પરિવારજનોએ ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યુ છે. એક વર્ષ વિતી જવા છતાં હજુ સુધી મૃતદેહ નહીં મળતાં હવે સર્વોચ્ચ અદાલતમાં જઈ સીબીઆઈ તપાસની માગ કરવાનું શેખ બાબુ પરિવારના સભ્યોએ નક્કી કર્યું છે.

શેખ બાબુ હત્યાકાંડમાં પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ જવાનો સહિત છ જણા હાલમાં જેલવાસ ભોગી રહ્યા છે. જ્યારે હાલમાં જ અદાલતમાં રજૂ કરાયેલી ૧૪૦૦ પાનાંની ચાર્જશીટમાં વધુ એક પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની સંડોવણી બહાર આવતાં કુલ ૮ આરોપીઓ બન્યા છે. હાઈકોર્ટમાં પુત્ર સલીમ શેખે દાખલ કરેલી હેબિયર્સ કોપર્સનો જસ્ટિસ આર.એમ.છાયાએ મહત્ત્વપૂર્ણ મુદ્‌ાઓ ટાંકી પિટિશન ડિસ્પોઝ્‌ડ ઓફ કરી છે. જેમાં અરજદારને કાયદાની મર્યાદામાં રહી ન્યાય મેળવવા માટેની છૂટ હોવાનું જણાવ્યું છે. શેખ બાબુ પરિવાર વતી વકીલ ઈમ્પિયાઝ કુરેશીએ વળતરની પણ માગ કરી હતી જેનો અદાલતે સ્વીકાર કર્યો હતો.

જાે કે, હાઈકોર્ટમાં દાખલ કરાયેલી હેબિયર્સ કોપર્સ બાદ જ વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી અને પીઆઈ, પીએસઆઈ, ચાર પોલીસ જવાનો સહિત છ સામે ૩૦૭ મુજબનો ગુનો નોંધ્યો હતો.

પરંતુ વડીઅદાલતે સુનાવણી દરમિયાન ૩૦૨ની કલમ ઉમેરવાનો આદેશ આપતાં અંતે હત્યાની કલમ ૩૦૨ ઉમેરાઈ હતી, તેમ છતાં વડોદરા પોલીસ શેખ બાબુના મૃતદેહનો અત્તો-પત્તો નહીં મેળવી શકતાં અંતે તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી અને બબ્બેવાર શહેર નજીકની કેનાલો ખુંદી વળી મૃતદેહને શોધવા પ્રયત્નો કર્યા હતા,

પરંતુ સફળતા મળી ન હતી.

શેખ બાબુની હત્યાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે અદાલત સમક્ષ રજૂ થયેલી ચાર્જશીટ અગાઉ છ આરોપીઓ હાજર થયા હતા અને હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. ગંભીર પ્રકારની કલમોનો ઉમેરો થયો ઉપરાંત એક પીએસઆઈ અને હે.કો.ને પણ આરોપી બનાવતાં કુલ આંકડો ૮ ઉપર પહોંચ્યો હતો. તેમ છતાં શેખ બાબુ પરિવાર એમના મૃતદેહ કે એના સગડની માગ ચાલુ રાખી હતી અને એ કારણે જ હવે ન્યાય મેળવવાની છેલ્લી આશા તરીકે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખટખટાવી સીબીઆઈ તપાસની માગ કરવાના હોવાનું શેખ બાબુના પુત્ર સલીમ શેખે જણાવ્યું છે.