વડોદરા

પરિણીતા સાથે આડાસંબંધ રાખનાર યુવકની હત્યા કરી મૃતદેહને કેનાલમાં નાખી દેવાનો ચોંકાવનારો બનાવ ડેસર પોલીસ મથકે નોંધાયો છે. મહત્ત્વની વાત એ છે કે અડધી રાત્રિએ પુત્રીની રૂમમાં આવેલા પ્રેમીને જાેતાં જ ઉશ્કેરાયેલા પિતાએ જ યુવકને મોતને ઘાટ ઉપાર્યો હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ નર્મદા કેનાલમાં ફેંકી દેવાયેલા યુવકના મૃતદેહને શોધવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.

પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે ડેસરના પેટાપુરા રાતડીયા ગામે રહેતા ગોપાલભાઈ રમેશભાઈ ચૌહાણ પત્ની સંગીતાબહેન, માતા-પિતા અને (ઉં.વ. ૨૬) બે સંતાનો સાથે રહેતો હતો. બે સંતાનનો પિતા હોવા છતાં તેણે તેના ગામની જ એક યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતો હતો. દરમિયાન પ્રેમિકા યુવતીનું લગ્ન ડેસર તાલુકાના સાંપિયા ગામે રહેતા મહેશભાઈ રાઠોડ સાથે થયું હતું. તે યુવતી તેની સાસરીમાં રહેતી હતી. ગોપાલ ચૌહાણ તેને મળવા માટે અવારનવાર સાંપિયા ગામે જતો હતો.

પરિણીત યુવતીના પિતા બળવંતભાઈ સોલંકીને ગોપાલ દીકરી મનિષા (નામ બદલ્યું છે)ની સાસરીમાં જઇને તેનો તેનો સાંસારિક જીવન બગાડી રહ્યો હોવાની જાણ થતાં તેઓ ગોપાલના ઘરે આવી તેની પત્ની સંગીતાબેન ચૌહાણને જણાવ્યું હતું કે, તારો પતિ મારી દીકરી સાથે આડોસંબંધ રાખે છે અને તેની સાસરી સુધી તેને મળવા માટે જાય છે. મારી દીકરીનો ઘરસંસાર બગાડવા બેઠો છે. તારા પતિનો કાંટો કાઢી નાખવા માટે તેને મારી નાખી તેની લાશ નહેરમાં નાખી દઈશું તેવી ધમકી પણ આપી હતી. તે બાદ ગોપાલની પત્ની સંગીતા અને માતા-પિતાએ પ્રેમમાં પાગલ ગોપાલને ઠપકો આપી જણાવ્યું હતું કે, તેની સાસરીમાં જવું નહીં અને કોઈ પણ જાતનો સંબંધ રાખવો નહીં.

આમ છતાં તા.૭ માર્ચના રોજ રાત્રે ૯ વાગ્યે ગોપાલ પોતાની પત્નીને દિવેલાવાળા ખેતરમાં પાણી ચાલુ કરવાનું હોવાથી હું ખેતરે જાઉં છું તમે બધા સૂઈ જજાે તેમ જણાવી પોતાની મોટરસાઇકલ લઈને નીકળ્યો હતો. ગોપાલ ચૌહાણ સવાર સુધી ઘરે નહીં આવતાં પરિવારજનો ચિંતાતુર થઇ ગયા હતા અને તમામ સભ્યોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કયાંય પત્તો લાગ્યો ન હતો.

દરમિયાન તેઓના એક કુટુંબીજન દ્વારા જાણવા મળ્યું હતું કે રાત્રે ગોપાલ સાપિયા ગામે મનિષાને મળવા ગયો હતો, તેની પાછળ તેના પિતા બળવંત સોલંકી પણ ગયા હતા.

કુટુંબીજનો દ્વારા મળેલી માહિતીના આધારે ગોપાલની પત્ની સંગીતાએ ડેસર પોલીસ મથકમાં પહોંચી હતી. અને પોલીસને જણાવ્યું હતું કે, અગાઉ પતિને મારી નાખવાની ધમકી આપનાર બળવંતભાઇ સોલંકી ઉપર પતિની હત્યાનો આરોપ મુકતી ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પોલીસ તપાસમાં ગોપાલ તા.૭ માર્ચના રોજ સાંપિયા ગામે પ્રેમિકા યુવતી મનિષાના ઘરે ગયો હતો. ગોપાલને મનિષાના ઘરમાં પિતાએ રંગેહાથે ઝડપી પાડ્યો હતો અને તે જ સમયે દીકરીના દીયર સંકેત રાઠોડની મદદ લઇને ગોપાલનું કાસળ કાઢી નાખ્યું હતું.

દીકરી મનિષાનું સાંસારિક જીવન બગાડનાર ગોપાલ ચૌહાણને બળવંતભાઇ સોલંકી અને મનિષાના દીયર સંકેત રાઠોડે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ ગોપાલના મૃતદેહને વચ્છેસર અને અમરેશ્વર ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં નાખી દીધો હતો અને તેની મોટરસાઇકલ સરદારપુર નગરી પાસે ફેંકી દીધી હતી, જે મોટરસાઇકલ બિનવારસી હાલતમાં પોલીસને મળી આવી હતી. ડેસર પોલીસ મથકે સંગીતાબેન ગોપાલ ચૌહાણની ફરિયાદના આધારે બળવંતભાઇ મંગળભાઇ સોલંકી (રહે. રાતડીયા ગામ, ડેસર) અને સંકેત પર્વતભાઇ રાઠોડ (રહે. સાપિયા, ડેસર) સામે હત્યાનો ગુનો નોંધી તેઓની અટકાયત કરી છે. બીજી બાજુ પોલીસે વચ્છેસર અને અમરેશ્વર ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવેલી ગોપાલ ચૌહાણની લાશની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરાવી છે. પ્રેમ કિસ્સામાં થયેલી હત્યાના આ બનાવે ડેસર પંથકમાં ભારે ચકચાર જગાવી મુકી છે.