નવી દિલ્હી 

બેન સ્ટોક્સ તેના પિતા સાથે વધુ સમય વિતાવવા માંગતો હતો અને તેથી જ આઈપીએલમાં પણ તે તેની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે મોડો જોડાયો હતો. ત્યારે આખરે સ્ટોક્સના પિતા બ્રેઈન કેન્સરની સામે હારી ગયા હતાં અને દુનિયાને અલવિદા કહી દીધું હતું.

ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના પિતા ગેરાર્ડ સ્ટોક્સે દુનિયાને અલવિદા કહી દીધી છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બ્રેઈન કેન્સરથી પીડાતા હતા અને આખરે તેઓ આ જંગ હારી ગયા. રગ્બી વર્કિંગ્ટોન ક્લબે ગેરાર્ડ સ્ટોક્સના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અમને એ કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે પૂર્વ ખેલાડી અને અમારા કોચનું નિધન થયું છે. તે 1982-83 માં વર્કિંગટન ક્લબ તરફથી રમ્યા હતાં. ગેડ 2003 માં આ ક્લબના કોચ પણ હતાં.

ગેરાર્ડ સ્ટોક્સ જાન્યુઆરીમાં આ બીમારીની ઝપેટમાં આવ્યાં હતાં અને પાંચ અઠવાડિયા અગાઉ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેમને જોહાનિસબર્ગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

છેલ્લા કેટલાક મહિનાઓથી તે ક્રિસ્ટચર્ચમાં તેમના ઘરે હતા જ્યાં તેમણે મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. દુર્ભાગ્યપણે બેન સ્ટોક્સ આ મુશ્કેલ ઘડીમાં તેમના પરિવાર સાથે નથી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સીરિઝમાંથી તેને આરામ અપાય છે પરંતુ ક્વૉરન્ટીન અને બાકીના તમામ પ્રોટોકોલને પગલે તેઓ પરિવાર પાસે પહોંચી નહીં શકે.

બેન સ્ટોક્સ આ વર્ષની શરૂઆતમાં પિતાની માંદગીને કારણે ડૉમેસ્ટિક સીઝન છોડીને ન્યુઝીલેન્ડ જવા રવાના થયો હતા. આઈપીએલની આ સીઝનમાં ભાગ લેવા તે યુએઈ પણ મોડો પહોંચ્યો હતો. સ્ટાર ઑલરાઉન્ડર સ્ટોક્સ ઘણી વાર આંગળી વાળીને પોતાની વિનિંગ ઇનિંગ્સ તેના પિતાને સમર્પિત કરતો હતો.