વડોદરા

વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલ લાકડાના બોક્સ બનાવતી કંપનીમાં વહેલી સવારે લાગેલી આગને ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી હતી. આગમાં લાકડાંનો જથ્થો, મશીનો તેમજ બે ટેમ્પાને નુકસાન થયું હતું. જ્યારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશન સામેના કોમ્પલેક્સના બેઝમેન્ટમાં આવેલ ગાદલાંની દુકાનમાં આગ લાગી હતી, જેની જાણ થતાં લાશ્કરોને કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આજે વહેલી સવારે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી લાકડાંની ફેકટરીમાં એકાએક આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળતાં જાેઈને બાજુની ફેકટરીવાળાએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં મકરપુરા જીઆઈડીસીમાં ફાયરબ્રિગેડના જવાનો બે ફાયરલાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરંતુ લાકડામાં આગ લાગી હોવાથી ગણતરીના સમયમાં જ ફેકટરીમાં પડેલ લાકડાંનો જથ્થો, મશીનો અને બે ટેમ્પા આગની લપેટમાં આવી ગયા હતા. ફાયરબ્રિગેડના લાશ્કરોએ આસપાસની ફેકટરીમાં આગ વધુ ન ફેલાય તેની તકેદારી રાખી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.જ્યારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે આનંદ ચેમ્બર્સના બેઝમેન્ટમાં મેરી ગાદલાં વર્કસ નામની દુકાનમાં રૂ પીંજવાના મશીનમાં આગ લાગતાં દુકાનના સંચાલક દ્વારા બોટલ ફોર્મ દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો. જેથી તેઓએ ફાયરબ્રિગેડને જાણ કરતાં દાંડિયાબજાર ફાયર સ્ટેશનથી તરત જ લાશ્કરો દોડી ગયા હતા અને ધુમાડો બહાર કાઢી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.