વડોદરા : વન વિભાગ અને પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના મકાનોમાં ગેરકાયદે રાખવામાં આવેલા ૩ સિંગાપુરી, એક પાણીનો કાચબો અને પાંચ સુડો પોપટને કબજે કરી વન વિભાગની કચેરીમાં લાવવામાં આવ્યા હતા. વન વિભાગે ગેરકાયદે કાચબો અને પોપટ રાખનાર સામે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત એસપીસીએ અને વાઈલ્ડલાઈફ એસઓએસના રાજ ભાવસારને માહિતી મળી હતી કે વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં ઘરમાં કાચબા અને પોપટ ગોંધી રાખવામાં આવ્યા છે. જેથી રાજ ભાવસારે વડોદરા વન વિભાગના આરએફઓ નિધિ દવેને માહિતી આપતાં તેમણે ટીમ બનાવી વન વિભાગના કર્મચારી જે.સી.પારેખ, ફોરેસ્ટર આર.આર.જાદવ, ફોરેસ્ટર.જે.પી.તડવી અને અક્ષય રાઠોડ અને જીએસપીસીએના રમેશભાઈએ કમલાનગર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ડો.ચક્રવતીના ઘરેથી એક સિંગાપુરી કાચબો કબજે કર્યો હતો .જ્યારે શ્રીહરિ ટાઉનશિપમાં રહેતા જયેશ પરમારના ઘરેથી બે નગ સુડો પોપટ  

કબજે કર્યા હતા. તેવી જ રીતે એકતાનગરમાં રહેતા અલ્તાફ હુસેન ખત્રીના ઘરેથી એક પાણીનો કાચબો તથા બે નંગ સિંગાપુરી કાચબા મળી આવ્યા હતા અને અન્ય સિટીમાંથી બીજા ત્રણ પોપટ કબજે કર્યા હતા. આ તમામ વન્યજીવોને વડોદરા વન વિભાગે કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.