અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ મહાપાલિકામાં પુન; સત્તા મેળવ્યા બાદ ભાજપ દ્વારા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણુંકો કરી દેવામાં આવી છે. જાે કે મહાપાલિકાની બાકીની વિવિધ કમિટીઓની રચના અને તેના ચેરમેનોની વરણી હજુ સુધી કરવામાં આવી નથી. જે અંગે ભાજપના આંતરિક વિખવાદને કારણભૂત માનવામાં આવી રહ્યું છે. જાે કે, શહેર પ્રમુખ દ્વારા કોરોનાની મહામારીને કારણે વિલંબ થઇ રહ્યો હોવાનું જણાવાયું છે. જાે કે સૂત્રોના જણાવ્યા મુજબ નવી નિમણુંકો માટે હજુ પણ એક મહિના જેવો વિલંબ થઇ શકે છે.

અમદાવાદ મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ફરી એક વખત સત્તા હાંસલ કરી છે. અમદાવાદ મહાપાલિકામાં ફરી વાર સત્તા હાંસલ કર્યા બાદ ભાજપ દ્વારા વિવાદો વચ્ચે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો, પક્ષના નેતા અને દંડકની નિમણુંકો કરી દેવામાં આવી હતી. અમદાવાદ મહાપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સભ્યો, પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવ્યાને આજે એક મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. પરંતુ આજ સુધી મહાપાલિકાની વિવિધ કમિટીઓની રચના અને તેના ચેરમેનોની વરણી હજુ સુધી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓની રચના અને ચેરમેનોની નિમણુકો ખોરંભે પડી છે તેની પાછળ પક્ષના આંતરિક વિખવાદને કારણભૂત માનવામાં આવી રહ્યો છે. આ અંગે ભાજપના ચૂંટાયેલા સભ્યએ જણાવ્યું હતું કે, મહાપાલિકામાં ફરી સત્તા આવ્યા બાદ એક જૂથ દ્વારા સંગઠનના એક જૂના જૂથનું વર્ચસ્વ ઓછું કરવા માટે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. જેના કારણે હજુ સુધી સંગઠનની બેઠક મળવી જાેઈએ તે હજુ સુધી મળી શકી નથી, જેના કારણે મહાપાલિકાની વિવિધ કમિટીઓની રચના અને નિમણુંકોનો મામલો ખોરંભે પડ્યો છે. જયારે આ મામલે શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે આ સંજાેગોમાં પક્ષના સંગઠનના અનેક નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે કોરોનાની મહામારીની માર્ગદર્શિકાની જાેગવાઈને અનુસરીને સંગઠનની બેઠક બોલાવવી શક્ય નથી. જાે કે સંગઠનના નેતાઓ સ્વસ્થ્ય થયા બાદ આગામી સમયમાં વિવિધ કમિટીઓની રચના કરી દેવામાં આવશે.