પાદરા, ભરૂચ, છોટાઉદેપુર, બોડેલી, વાઘોડિયા.તા.૫ 

પાદરા માં કારસેવામાં જોડાયેલા પીઠ કાર્યકરો તેમજ અનેક જુના કાર્યકરોએ હાજરી આપી હતી. તેમજ કારસેવકો પન હાજર રહ્યા હતા. આ સમયે પાદરા સાથે જોડાયેલા અનેક વાતોને વર્ણવી હતી.વિજયભાઈ પરનામીએ જણાવ્યું હતું કે દેશભરમાં આ ઐતિહાસિક ઘડીને હિન્દૂ સમાજ દ્વારા ઉત્સાહભેર મનાવવામાં આવી હતી ત્યારે પાદરા ખાતે હિન્દૂ સમાજના આગેવાનોએ પરનામી અગરબત્તી પાસે એકત્રિત થઈ મનાવ્યો હતો.

ભરૂચ ઃ અયોધ્યામાં શ્રી રામના ભવ્ય મંદિરના વડાપ્રધાન દ્વારા બુધવારે ભૂમિપૂજન પ્રસંગે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ઉત્સવમય માહોલ છવાયો હતો. વિહિપ, બજરંગ દળ, આરએસએસ, ભાજપ અને હિંદુ પ્રજાએ વિજ્યોત્સવ મનાવી શ્રીરામના પૂજન-અર્ચન સાથે ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી હતી. ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ કાજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં પણ ઉત્સવમય માહોલ છવાવા સાથે ભાજપ, વિહિપ, બજરંગ દળ, આરએસએસ, એએચપી, અન્ય હિન્દૂ સંગઠનો અને હિંદુ પ્રજાએ વિજ્યોત્સવ મનાવ્યો હતો. શહેરના શક્તિનાથ, પાંચબત્તી, તુલસીધામ, કસક સહિત જિલ્લાભરમાં ઉજવણી કરવામાં આવી હતી.

છોટાઉદેપુર ઃ આજે બુધવારે અયોધ્યામાં રામ મંદિર નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શિલાન્યાસ થવા જઈ રહ્યુ છે ત્યારે આ પાવન પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા નગરના ગોરા રામજી મંદિરમાં પૂજન અને આરતી નો પવિત્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરમાંથી અયોધ્યા કારસેવા માં ગયેલા થન કારસેવકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવા, મહામંત્રી, મુકેશભાઈ પટેલ, શહેર પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી તેમજ મહંત માધવદાસજી સહીત જિલ્લા અને શહેરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા શ્રી રામ જન્મભૂમિ શિલાન્યાસ પ્રસંગે તમામે મોઢું મીઠું કરી આનંદ વ્યક્ત કર્યો હતો.

બોડેલીઃબોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ જય જય શ્રીરામના નારા લગાવીને ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરી હતી. આ કાર્યક્રમમાં અલીખેરવા સરપંચ કંચનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ અજીતસિહ લાકોડ ( ભજાભાઈ ), દીપકભાઈ વ્રજવાસી, મનોજભાઈ શાહ, દિલુભાઈ ઠક્કર, રણછોડભાઈ ભરવાડ, કમલેશ તિવારી, સહિત રામભક્તો જોડાયા હતા.

વાઘોડિયાઃરામમંદિરના શિલાન્યાસનો મહોત્સવ મહાકાલ સેના સહિત સમગ્ર ગ્રામજનોએ ૨૫૧ કિલોનો મહાપ્રસાદ બનાવી વહેંચ્યો તો દિવાળીની જેમ ફટાકડા ફોળી દિવડા પ્રગટાવ્યા હતા.