વડોદરા, તા.૨ 

મહીસાગર નદીમાં પાંચ લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવતાં વડોદરા અને ખેડા જિલ્લાને જાેડતા વરસડા-ગળતેશ્વર વચ્ચેના મહીસાગર નદી પરના લો લેવલ બ્રિજને નુકસાન થયું છે. ર૪ કલાક પાણીનો પ્રવાહ બ્રિજની ઉપરથી વહેતાં બ્રિજમાં ક્ષતિ સર્જાઈ છે, જેના પગલે રિપેરિંગ માટે આ બ્રિજ ૧૪ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહીસાગર-કડાણા અને વણાકબોરી ડેમીમાંથી પાણી છોડાતાં બ્રિજ ઉપરથી ૬ ફૂટ જેટલું પાણી વહેતાં ડેસર અને ગળતેશ્વર તાલુકાનો સંપર્ક ર૯-૮થી કપાયો હતો. ડેસર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર અને વરસડા ગામના તલાટીએ બ્રિજ ઉપરથી પાણી વહેતાં તકેદારીના ભાગરૂપે એક કલાકની માહિતી મેળવી બાજનજર રાખી હતી, જ્યારે વરસડા તલાટીએ બ્રિજના છેડે આવેલા છાપરામાં પોતાની ટીમ સાથે રાત્રિ રોકાણ કરી ઉજાગરા કર્યા હતા.

મહીસાગરમાં ભારે પાણીના કારણે બ્રિજના વેરિંગ કોટ અને કર્બ તથા ગાર્ડ બ્લોકને નુકસાન થવા પામ્યું છે તેથી બ્રિજને વાહનવ્યવહારની અવરજવર માટે ૧૪ દિવસ બંધ રાખી જરૂરી સમારકાર કરીને ચાલુ કરવાની જાહેરાત આરએન્ડબી દ્વારા કરવામાં આવી હતી અને અંબાવ-ગળતેશ્વરથી ડેસર તાલુકા તરફ જતો ટ્રાફિક અંબાવથી વાયા ઃ સેવાલિયા-ઉદલપુર ચોકડી થઈ વાાલવાવ ચોકડી, ડેસર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

૬ મહિના પહેલાં બનાવાયેલા રોડના પોપડાં ઉખડી ગયાં

વડોદરા. ગળતેશ્વર બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. પાણીનો પ્રવાહ વધતાં નદી કિનારાના વરસડા બાજુના છેડે છ માસ પહેલાં બનાવાયેલા માર્ગનાં પોપડાં ઉખડી ગયાં હતાં. વડોદરા માર્ગ અને મકાન વિભાગ આ બાબતે નોંધ લે તે જરૂરી બન્યું છે તેમ ભારપૂર્વક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.