ભાવનગર,ઘોઘા હજીરા ફેરી સર્વિસ લોકો માટે ખૂબ અનુકૂળ સાબિત થઈ રહી છે. મુસાફરો સમયની બચત માટે ફેરી સર્વિસમાં જવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે આજે સવારે જ્યારે મુસાફરો ઘોઘા ટર્મિનલ પર પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે ફેરી સર્વિસ બંધ છે. સર્વિસને અચાનક બંધ રાખવામાં આવતા મુસાફરો અટવાયા હતા. ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે ચાલી રહેલી રો રો ફેરી સર્વિસ ખૂબ લોકપ્રિય બની છે. ત્યારે સર્વિસને બંધ રખાતાં અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા હતા. જ્યારે વોયેજ સિમ્ફની જહાજના રીપેરીંગની કામગીરી કરવાની હોવાથી ગુરુવારથી રવિવાર સુધી ૪ દિવસ માટે ઘોઘા હજીરા ફેરી સર્વિસ બંધ રાખવામાં આવી હોવાનું ફેરીના સંચાલકો જણાવી રહ્યા છે. ઘોઘા હજીરા ફેરી સર્વિસમાં મુસાફરી માટે સમયની બચત થતી હોય વધુમાં વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે લાંબા અંતરથી આવતા માલવાહક ટ્રક પણ ફેરી સર્વિસનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ કોઈ પણ જાતની આગોતરી જાણકારી આપ્યા વગર ફેરી સર્વિસની રૂટિન ચેકઅપની કામગીરીના કારણે ફેરી બંધ રહેતા અનેક મુસાફરો અને માલવાહક ટ્રક ટર્મિનલ સુધી પહોંચી પરત ફરી રહ્યા છે.