પ્રજાના વેરાના અબજાે રૂપિયાનો પ્રામાણિક વહીવટ કરી સ્વપ્નદૃષ્ટા પાલિકા સત્તાધીશોએ રૂપરૂપનો અંબાર બનાવી દીધેલી સ્માર્ટ સિટીના કોઈ એકાદ ખૂણે ચપટી જેટલી પણ ગંદકી દેખાય કે સિલ્કી માર્ગો પર કોઈ એકાદ જગ્યાએ ડામરની માત્ર પોપડી ઉખડી ગયાનું પણ ધ્યાનમાં આવે તો તરત જ પાલિકાના બ્યૂટિશિયનોની ટીમ આ ગંભીર સમસ્યા ઉકેલવા મેદાનમાં ઉતરી પડે છે. અગાઉના ભ્રષ્ટ અધિકારીઓ-શાસકપક્ષના પ્રતિનિધિઓ એવું કહેતા કે વરસાદી મોસમમાં માર્ગ પર પડેલા ખાડાઓમાં પાણી-ભેજ હોવાને કારણે ડામર ચોંટે નહીં, એટલે માર્ગ પરના ખાડા પૂરી શકાતા નથી. પરંતુ એ જ ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકો હવે અત્યંત પ્રામાણિક બની ગયા હોય એમ આજે હરણી સંગમ ચાર રસ્તા પાસે ચોમાસાના માહોલમાં પણ રસ્તા પર ધગધગતો ડામર રેડી એના પર કોરી રેતીનો છંટકાવ કરી માર્ગને ‘સ્માર્ટ સિટી’ને અનુરૂપ બનાવવાની કાર્યવાહી કરાવી રહ્યા હતા. એ જાેઈને માર્ગ પરથી પસાર રાહદારીઓ રીતસર ગદ્‌ગદ્‌ થઈ ગયા હતા અને પોતે ભરેલા વેરાના નાણાંનો સદ્‌ઉપયોગ કરનારા પાલિકાના અત્યંત પ્રામાણિક અધિકારીઓ અને શાસકોની આ સમર્પિતતા જાેઈને પોતાને મનોમન નસીબદાર ગણવા માંડયા હતા.