અમદાવાદ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેનનું સ્વપ્ન સાકાર કરવા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી કેવડીયા સુધી સી-પ્લેન સેવા શરૂ કરવા તારીખ 22 જુલાઈ 2020ના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર સાથે ત્રિપક્ષીય MOU કરવામાં આવ્યા છે.

અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડીયા કોલોની સુધી ‘સી-પ્લેન’ ઉડાડવાનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. 31 ઓકટોબરથી સી-પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તમે જઈ શકશો. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત સરકારના સચિવ પ્રદિપ ખરોલા અને નિયામક નાગરિક ઉડ્ડયન કેપ્ટન અજય ચૌહાણે સાબરમતી રિવરફ્રન્ટ સાઇટની મુલાકાત લીધી હતી અને સી પ્લેન ઉડાડવા અંગેની તમામ બાબત ચકાસી હતી.

ગુજરાત રાજ્યમાં સી-પ્લેન સેવા શરૂ કરવા માટે ગાંધીનગરમાં ચીફ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને અતિ મહત્વની રિવ્યુ મીટિંગ યોજવામાં આવી છે. આ મિટિંગમાં સચિવ તેમજ સંયુક્ત સચિવ નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત સરકાર, એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ, સ્પાઇસ જેટ એરલાઇન અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.