દિલ્હી-

કોરોનાના કહેર વચ્ચે કોરોનાની એક નવી દવાએ કોરોનાને હરાવવાની દિશામાં આશા કિરણ પેદા કર્યું છે. હાલ કોરોનાને નાથવા અને તેની અસરકારકતા ઘટાડવા રસીકરણ થઈ રહ્યું છે તેની વચ્ચે ડીઆરડીઓ દ્વારા વિકસીત કોવિડ દવા 2-ડીઓકસી-ડી-ગ્લુકોઝ (2-ડીજી)ના કલીનીકલ ટ્રાયલ સફળ થયા છે, જે મુજબ જે દર્દીઓ પર આ દવાની ટ્રાયલ કરવામાં આવી હતી, જેમાં ઝડપથી રિકવરી જોવા મળી હતી. દાવો કરવામાં આવ્યો છે કે આ દવાના ઉપયોગથી દર્દીઓનો કોરોના રિપોર્ટ બાકી દર્દીઓની તુલનામાં ઝડપથી નેગેટીવ થઈ રહ્યો છે. અર્થાત તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.

એપ્રિલ 2020માં કોરોના મહામારીની પહેલી લહેર દરમિયાન વૈજ્ઞાનિકોએ હૈદરાબાદની સેલ્યુલર એન્ડ મોલેકયુલર બાયોલોજીની મદદથી 2-ડીજીનો લેબમાં ટેસ્ટ કરેલો. સ્ટાન્ડર્ડ ઓફ કેર સ્ટાન્ડર્ડથી તુલના કરીએ તો દવા લેનારા દર્દીઓ અઢી દિવસ પહેલા સાજા થઈ ગયા હતા.ત્રીજા ચરણની ટ્રાયલમાં જે લોકોને દવા આપવામાં આવી, તેમાંથી 42 ટકા દર્દીની ઓકસીજન નિર્ભરતા ત્રીજા દિવસે જ ખતમ થઈ ગઈ હતી. પરંતુ જેમને આ દવા નહોતી અપાઈ તેવા 31 ટકા દર્દીઓની જ ઓકસીજન નિર્ભરતા ખતમ થઈ. સારી બાબત એ રહી કે આની અસર 65 વષથી ઉપરના બુઝુર્ગોમાં પણ જોવા મળી હતી.

કેવી રીતે લેવી આ દવા?

રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે 2-ડીજી દવા પાઉડરના રૂપમાં પેકેટમાં મળે છે. તેને પાણીમાં ઓગાળીને પીવાની છે. તેના અણુ વાઈરસ સંક્રમીત કોશીકાઓમાં જમા થઈ જાય છે. જયાં તે વાઈરલ સંશ્ર્લેષણ અને ઉર્જા ઉત્પાદનને રોકીને વાઈરસને આગળ વધતો રોકી દે છે. ડીઆરડીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દવાનું ઉત્પાદન ભારે માત્રામાં આસાનીથી કરી શકાય છે.