દિલ્હી-

નાણાં મંત્રાલયે કોરોના સમયગાળા દરમિયાન સ્વિસ બેંકોમાં ભારતીયોની થાપણમાં થયેલા વધારાને નકારી કાઢ્યો છે. શનિવારે મંત્રાલયે આ બાબતોને ખોટી ગણાવતા કહ્યું કે, સ્વિસ બેંકોમાં ભારતીય ગ્રાહકોની થાપણો 2019થી ઘટી છે. આવી સ્થિતિમાં સ્વિસ અધિકારીઓ પાસેથી આ વધારાને લઈને પુરાવા માંગવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, 2020માં વ્યક્તિઓ અને એકમો દ્વારા જમા કરવામાં આવેલી રકમમાં ફેરફાર કરવાના સંભવિત કારણ માટે પણ માહિતી માંગવામાં આવી છે.

નાણાં મંત્રાલયે સ્વિસ બેંકોમાં ભારત તરફથી કથિત કાળા નાણામાં વધારો થયો હોવાના દાવાને નકારી દીધા છે. ઉલ્લેખનીય છે કે 17 જૂને સ્વિસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે સ્વિસ બેંકોમાં જમા કરાયેલા ભારતીયોના નાણાં 2020ના અંતમાં 20,700 કરોડ રૂપિયા વધી ગયા છે. એટલું જ નહીં, એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ આંકડો છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ છે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, સ્વિસ નેશનલ બેંક (SNB)ને બેંકો દ્વારા અહેવાલ કરાયેલા આંકડા ભારતીયોના કથિત કાળા નાણાને સૂચવતા નથી. આ આંકડામાં ભારતીયો, એનઆરઆઈ અથવા બીજા લોકો દ્વારા સ્વિસ બેંકમાં ત્રીજા દેશની સંસ્થાઓના નામે જમા કરાયેલા નાણાંનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સરકારે એમ પણ કહ્યું હતું કે, અન્ય કારણોસર સ્વિસ બેંક ખાતાઓમાં ભારતીયો દ્વારા જમા રકમમાં વધારો થયો હોઈ શકે છે. આ પૈકી, ભારતીય કંપનીઓ દ્વારા વ્યવસાયિક વ્યવહારોમાં વધારો, વગેરે પણ થાપણોમાં વધારાનું કારણ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સ્વિસ બેંકના અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, સ્વિસ બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓની થાપણો 2019ના અંતમાં આશરે 899 મિલિયન ફ્રેંક (6,625 કરોડ રૂપિયા) હતી.જ્યારે, વર્ષ 2020ના અંત સુધીમાં, કુલ થાપણની રકમ વધીને 20,706 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રકમમાં રૂ. 4,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે ગ્રાહક ડિપોઝિટ, ૩૧૦૦ કરોડથી વધુ અન્ય બેંકો દ્વારા, ૧૬.૫ કરોડ રૂપિયા ટ્રસ્ટ દ્વારા અને લગભગ ૧૩૫૦૦ કરોડ રૂપિયા બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય વિવિધ નાણાકીય વિકલ્પોથી સંબંધિત રકમ સામેલ છે.