ગાંધીનગર, ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની મોદી સરકારે રચ્યું હતું જે દેશ સમક્ષ ખુલ્લું પડી ગયું છે. અંતે ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ અને ખેડૂતો અને હિંદુસ્તાનની જીત થઈ હોવાની પ્રતિક્રિયા ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ આપી હતી.

ખેડૂત વિરોધી ત્રણેય કૃષિ કાયદાઓને કેન્દ્રની ભાજપ સરકારે પરત ખેંચ્યા તે અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, મોદી સરકાર ત્રણ કૃષિ કાયદાલાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદ કરી રહી છે. ખેડૂત, ખેતી અને ભારતને બચાવવા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરવાની માંગ સાથે સમગ્ર દેશના ખેડૂત સંગઠનોએ લાખો ખેડૂત સાથે સડકથી લઈ સંસદ સુધી ૧૪ મહિના કરતા વધુ સમય અહિંસક લડત લડતા રહ્યાં. ૭૦૦ ખેડૂતોએ જીવ ગુમાવ્યા. ખેડૂત - ખેતી અને હિંદુસ્તાનને બચાવવા ખેડૂત સંગઠનો - લાખો ખેડૂતોની સાથે રાહુલ ગાંધી તથા કોંગ્રેસીજનો સંસદથી સડક સુધી સતત સમર્થન કરતા રહ્યાં. કેન્દ્રની મોદી સરકારના ઈશારે સતત ખેડૂતો ઉપર જુલ્મ કરવામાં આવ્યો, લાઠીઓ વરસાવવામાં આવી અને ક્રૂર રીતે કેન્દ્રના મંત્રીના પુત્રએ ખેડૂતોને કચડી નાખ્યા તેમ છતાં કેન્દ્ર સરકારના મંત્રી કે સંત્રી આશ્વાસનના બે શબ્દ પણ ના બોલ્યા, ઉલટું કેન્દ્રીય મંત્રીના ગુન્હેગાર પુત્રને બચાવવા માટે સતત દિલ્હી સુધી વ્યવસ્થા થઈ આ છે ભાજપાનો અસલી ચહેરો.!

રઘુ શર્માએ જણાવ્યું હતું કે, મહામારીની આડમાં ખેડૂતોની આપત્તિઓને મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે ‘અવસરમાં પલટી નાખવાની મોદી સરકારની આ ધૃણાસ્પદ કાવત્રાને અન્નદાતા ખેડૂતો અને ખેત મજદૂરો ક્યારેય ભૂલશે નહીં. ૨૦૧૪ની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપનાર મોદી સરકારના શાસનના ૭ વર્ષમાં ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. પ્રધાન મંત્રી ફસલ વિમા યોજનાના નામે વીમા કંપનીઓને લુંટવાના પરવાના આપ્યા છે. કેન્દ્રમાં મોદી સરકાર સત્તા આવતા જ ભૂમી અધિગ્રહણ સુધારા બિલ લાવવામાં આવ્યું હતું. જેની સામે રાહુલજીના નેતૃત્વમાં આક્રમકતાથી દેશવ્યાપી વિરોધ કરતા ભાજપાની પીછેહટ કરવી પડી છે.