ગાંધીગર-

દિવાળી બાદ શાળા અને કોલેજો ખુલવાની શરૂ થઈ જશે. ગઈકાલે યોજાયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય કરાયો છે તેમણે શિક્ષણ પ્રધાનને દિવાળી બાદ શાળા ખોલવાની તૈયારી કરવા જણાવ્યું હતું જે મુજબ દિવાળી બાદ પહેલા કોલેજો શરૂ કરવામાં આવશે ત્યાર બાદ ધોરણ 12ની શાળા શરૂ થશે અને ધીરે ધીરે ઉતરતા ક્રમમાં શાળાઓ શરૂ કરવામાં આવશે. આ અંગે શિક્ષણ પ્રધાન શિક્ષણ સચિવો સાથે ચર્ચા કરીને તૈયારી કરાશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દિવાળી બાદ સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવાયો છે. જો કે પહેલા કોલેજો ખોલવાની સરકારની વિચારણા છે.' જો કે બેઠકમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, 'આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.'

CM રૂપાણીએ મંત્રી મંડળના સભ્યોને પણ ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ પાસેથી ફરીથી ફિઝિકલ એજ્યુકેશન શરૂ કરવા માટેના પ્રતિભાવો માંગ્યા હતાં. જેમાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, 'હાલમાં દિલ્હીમાં ફરીથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં એવી સ્થિતિ નહીં સર્જાય તો બે જ સપ્તાહમાં દિવાળી બાદ સ્કૂલો- કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાશે. જેમાં સૌ પ્રથમ કોલેજો પછી મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધોરણ 9થી12 અને ત્યાર બાદ ઉતરતા ક્રમે સ્કૂલો શરૂ કરવા તરફ આગળ વધવાનો કાર્યક્રમ જાહેર થશે. 

ક્લાસરૂમમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે આંતરે દિવસે બે- ત્રણ ભાગમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. એટલે કે કોવિડ ગાઇડલાઇનના નવા નિયમો હેઠળ વર્તમાન શૈક્ષણિક વર્ષનું શિક્ષણ કાર્ય આગળ ધપાવાશે. ગુજરાતમાં કોરોનાના કેસો તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ અને મૃત્યુદરમાં ઘટાડા બાદ રાજ્યનો આરોગ્ય વિભાગ પણ કોવિડની મહામારી માટે ઉપયોગમાં લેવાતી દવાઓ, ઈન્જેક્શન અને ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો થઈ રહ્યાનો દાવો કરે છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાર મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે. જો કે શહેરી-અર્ધ શહેરી વિસ્તારોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ સફળ નથી રહ્યું. બીજી બાજુ અભ્યાસક્રમ પણ ઘટાડવો પડયો છે. ત્યારે એવામાં વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષણ માટે સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ કરવા માંગણી કરાઇ રહી છે.