દિલ્હી-

ખાંડની નિકાસ કરવા માટેની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરીને સરકારે મિલરોને આ વર્ષે આપવામાં આવેલા ફરજિયાત ક્વોટા પ્રમાણે ડિસેમ્બર સુધીમાં નિકાસ કરવા જણાવ્યું છે.

ખાદ્ય મંત્રાલયે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2019-20નું માર્કેટિંગ વર્ષ સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય છે. સરકારે વધારાની ખાંડની નિકાસ માટે છ મિલિયન ટન નિકાસ કરવાની પરવાનગી આપી હતી. ખાદ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ સુબોધકુમારે જણાવ્યું હતું કે છ ટનમાંથી 5.7 મિલિયન ટન ખાંડ માટે કરારો થયા છે અને અંદાજે 5.6 મિલિયન ટન ખાંડ મિલોમાંથી નીકળી ગઇ છે.

હાલ બધે ફેલાયેલા કોવિડ-19ના રોગચાળાને લીધે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે કેટલીક મિલો પોતાનો માલ બહાર કાઢી શકી નથી. આ કારણસર સરકારે મિલોને ત્રણ મહિનાનો વધારાનો સમય આપવાનો ર્નિણય લીધો છે. ભારતમાંથી ઇરાન, ઇન્ડોનેશિયા, નેપાળ, શ્રીલંકા અને બંગલાદેશ સહિત અનેક દેશોમાં ખાંડની નિકાસ કરવામાં આવે છે. અગાઉ ઇન્ડોનેશિયામાં નિકાસ કરાતી ખાંડની ગુણવત્તા વિશે કેટલીક સમસ્યા હતી, પણ હવે માનકોમાં છૂટ આપવામાં આવી હોવાથી નિકાસ વધી છે. વર્ષ 2019-20ના માર્કેટિંગ વર્ષ માટે સરકારે છ મિલિયન ટન ખાંડની નિકાસ માટે રૂ. 6268 કરોડની સબસિડી આપી છે.