ગાંધીનગર

રાજ્યમાં હોળી અને ધૂળેટીના આગામી તહેવારોની ઉજવણી સંદર્ભમાં ગૃહ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ, સરકારે હાલમાં કોરોનાની સ્થિતિના કારણે હોળીના તહેવાર પર પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની તથા પ્રદક્ષિણા કરીને ધાર્મિક વિધિ કરવાની પરવાનગી આપી છે. જ્યારે ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમોને મંજૂરી આપી શકાશ નહીં.

28 માર્ચ અને 29 માર્ચના રોજ હોળી તથા ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. એવામાં સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીની ઉજવણીમાં સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાની સંભાવના છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

રાજ્ય સરકારે રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી પર શરતી મંજૂરી આપી છે. જેમાં હોળી પ્રગટાવવા માટે માત્ર મર્યાદિત સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ થોડા દિવસો અગાઉ માહિતી આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હોળીની પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ વિશે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.