અમદાવાદ-

આઠ વર્ષથી જૂની ગાડીઓ પર કેન્દ્ર સરકાર રોડ ટેક્સના 8થી 25 ટકા સુધી ગ્રીન સેસ નાખવાનું આયોજન કરી રહી છે. કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ બાબત માટે મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું છે. દેશમાં પર્યાવરણને ખાસ્સું નુકસાન થઈ ચૂક્યું છે.

આ પરિસ્થિતિ સુધારવા માટે અને આઠ વર્ષથી વધુ જૂના વાહનોના માધ્યમથી પ્રદુષણ ફેલાતું અટકાવવા માટે ગ્રીન સેસ નાખવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ દેશના દરેક રાજ્યોને મોકલી આપવામાં આવ્યો છે. રાજ્યો દ્વારા આ અંગે તેમના મંતવ્યો રજૂ કરવામાં આવે તે પછી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. કોમર્શિયલ વાહનો પર આ ટેક્સનો મોટો બોજો આવવાની સંભાવના રહેલી છે. કોમર્શિયલ વેહિકલ માટે દર વર્ષે ફિટેનેસ સર્ટિફિકેટ લેવાનું બંધન છે. ખાનગી વેહિકલ્સે 15 વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડે છે. 

આ સંજોગમાં કોમર્શિયલ વેહિકલ પર આ ટેક્સનો મોટો બોજો આવવાની સંભાવના રહેલી છે. આર.ટી.ઓ. દ્વારા ટેક્સ પેટે વાહનની બેઝિક પ્રાઈઝના 6 ટકા ટેક્સ તરીકે લેવામાં આવે છે. આ ટેક્સની રકમના 8 ટકાથી માંડીને 25 ટકા સુધી ગ્રીન સેસ લેવાની થશે.  ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો કોમર્શિયલ વેહિકલ નવું હોય તો તેનું ફિટનેસ સર્ટિફિકેટ બે વર્ષ બાદ લેવું પડે છે. આ સંજોગોમાં એક વર્ષ પછી કોઈ જ ગ્રીન સેસ લાગશે નહિ. પરંતુ બીજા વર્ષે તે ફિટનેસ સર્ટિફિકેટ લેવા જાય તો તેવા સંજોગોમાં તેમે ફિટનેસ સર્ટિફિકેટના 600થી 800 ઉપરાંત રોડ ટેક્સની રકમના 8થી 25 ટકા રકમ જમા કરાવવી પડશે. 

રોડ ટેક્સ વાહનની બેઝિક કિંમતના 6 ટકા થાય છે. જોકે ખાનગી વાહનો પાસેથી રોડ ટેક્સ લઈ લીધા બાદ તેમણે તેમના વાહનનું ફિટનેસ રિન્યુ કરાવવા માટે 15 વર્ષે જ જવાનું થાય છે. આ સંજોગોમાં ખાનગી વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ સાથે તેમની પાસેથી કઈ રીતે ગ્રીન સેસ લેવામાં આવશે તે સ્પષ્ટ નથી.  જોકે કેન્દ્ર સરકારનો આ નિર્ણય આવે તો તેવા સંજોગોમાં જૂના વાહનોનું માર્કેટ તૂટી જવાની સંભાવના રહેલી છે. આ વર્ષથી જૂના વાહનોના લેવાલ ઘટી જવાની શક્યતા છે. બીજી તરફ ત્રણેક વર્ષ જૂના વાહનોના વેલ્યુમાં વધારો પણ આવી શકે છે. તેનો ફાયદો દર ત્રણથી ચાર વર્ષે ઘસારો બાદ લઈને વાહનો બદલતી કંપનીઓને મળી શકે છે. તેમને તેમના વાહનોનું વધુ સારૂ મૂલ્ય મળી શકે છે.