વડોદરા -

શાળાઓની ફી માં ૨૫%ના ઘટાડા બાબતે શાળાઓને હાઇકોર્ટમાં ઢસેડીને સરકારે માત્ર કોર્ટનો સમય વેડફ્યો હોવાના વડોદરા શહેરની ખાનગી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હસમુખ પાઠકે આક્ષેપો કર્યા છે. વધુમાં તેઓએ તમામ શાળાઓને સરકારે જ મંજૂરી આપી હોવા છતાં ફી માફી ન કરનાર શાળાઓ સામે પગલાં લેવાની જગ્યાએ માત્ર સમય પસાર કરવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાનું અને જો સરકાર વાલીઓને ખરેખર રાહત આપવા માંગતી હોય તો લાઈટબીલ તેમજ વિવિધ કરવેરા માફ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

વડોદરા શહેરની ખાનગી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હસમુખ પાઠકના જણાવ્યા પ્રમાણે, રાજ્યભરમાં ચાલતી તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ જ ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા જ શાળાઓનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરીને પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે. તો શાળાઓ સરકારનું કંઈ જ ના સાંભળતી હોય, એ વાત કોઈના ગળે ઉતરે તેમ નથી. સરકાર પાસે શાળાની માન્યતા રદ્દ કરવા સુધીની સત્તા છે. તેમ છતાં ગુજરાતની મોટી મોટી શાળાઓ કે જે વાર્ષિક ૫૦ હજારથી લઈને લાખોની ફી ઉઘરાવે છે, તેઓને ૨૫% ફી ઘટાડાના મુદ્દાને લઈને હાઈકોર્ટમાં ઢસેડીને સરકારે માત્ર કોર્ટનો સમય જ વેડફ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુંકે, અત્યારે મોટી શાળાઓને બાદ કરતા વાર્ષિક ૧૦થી ૧૫ હજાર રૂપિયા ફી લેતી શાળાઓની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી છે. વાલીઓ ફી નહિ ભરે તો આ શાળા સંચાલકો શિક્ષકોના પગાર પણ કરી શકે તેમ નથી. સરકારને જો વાલીઓના વ્હાલા થવું જ હોય તો લાઈટબીલ સહિતના વેરાઓ માફ કરે. સરકાર શા માટે સામાન્ય શાળા અને વાલીઓને એકબીજા સાથે અથાડીને ગેરસમજ ઉભી કરે છે?