મુંબઇ

કંગના રનૌત વિરુદ્ધ હવે ભટિંડા, પંજાબમાં માનહાનીની ફરિયાદ થઇ છે. આ ફરિયાદ 73 વર્ષીય દાદી મોહિન્દર કૌરે કરી છે, જેને ખેડૂત આંદોલન દરમ્યાન કંગનાએ શાહીન બાગના બિલકિસ બાનો કહ્યા હતા. શુક્રવારે મોહિન્દર કૌરના વકીલ રઘબીર સિંહે જણાવ્યું કે, કંગના વિરુદ્ધ IPCની કલમ 499 (માનહાની) અને 500 (માનહાની ની સજા) હેઠળ ફરિયાદ ફાઈલ થઇ છે. કોર્ટ આના પર 11 જાન્યુઆરીએ સુનાવણી કરશે. 

મોહિન્દર કૌરે કહ્યું છે કે એક્ટ્રેસે તેની ટ્વીટમાં તેમની તુલના એક અન્ય મહિલા સાથે કરીને ખોટા આરોપ લગાવ્યા છે કે આ એ જ દાદી હતા, જે શાહીન બાગના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમણે ફરિયાદમાં લખ્યું છે કે આ પ્રકારની કમેન્ટ કરીને એક્ટ્રેસે તેમની પ્રતિષ્ઠા અને સાખને નુકસાન પહોચાડ્યું છે. દાદીનો દાવો છે કે ખોટા અને સ્કેન્ડલસ ટ્વીટને કારણે તેમને તેમના પરિવારના સભ્યો, સંબંધીઓ, પાડોશીઓ, ગામના લોકો અને સામાન્ય લોકોની નજરમાં માનસિક તણાવ, દર્દ, હેરાનગતિ, અપમાન, પ્રતિષ્ઠાને નુકસાન અને માનહાનીનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં કંગનાએ કોઈ શરત વગર માફી માગવાનું કષ્ટ પણ ન લીધું. 

ખેડૂત આંદોલન વચ્ચે કંગનાએ મોહિન્દર કૌર સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું, 'હાહાહા તે એ જ દાદી છે, જેમને ટાઈમ મેગેઝીનના કવર પર સૌથી પાવરફુલ ઇન્ડિયન કહેવામાં આવ્યા હતા. તે 100 રૂપિયામાં અવેલેબલ છે. પાકિસ્તાની પત્રકારોએ ભારત માટે શરમજનક રીતે ઇન્ટરનેશનલ PRને હાઇજેક કરી લીધા છે. આપણે ઇન્ટરનેશનલ લેવલ પર બોલવા માટે આપણા જ લોકોની જરૂર છે.'   કંગનાએ નામ લીધા વગર મોહિન્દર કૌરને શાહીન બાગમાં CAA અને NCRના વિરોધમાં સામેલ થયેલા બિલકિસ બાનો ગણાવ્યા હતા. જોકે, કંગના આ પોસ્ટને લઈને ટ્રોલ થતા તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.