અમદાવાદ-

જમીન હડપવા પર બ્રેક મારવા માટે રાજ્ય સરકારે નવીન કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદાના અમલ સાથે જ પોતાની મહામૂલી અને સોનાના ટુકડા જેવી જમીન હડપી લેનાર સામે ગુનો નોંધવા અને તેને પરત મેળવવા માટે જમીન માલિકો કાયદાકીય સહારો લઇ રહ્યાં છે. ત્યારે પોતાની માલિકીની જમીન પરત મેળવવા માટે અનેક લોકો ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવી રહ્યાં છે. જેને કારણે મોટા પાયે ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ આવી રહી છે. આ અરજીઓની સંખ્યા જોઇને નવનિયુક્ત ચીફ જસ્ટીસ અરવિંદકુમારે તેને એક સાથે જ અરજીઓની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ આ તમામ અરજીઓને એકત્રિત કરીને તેને દિવાળી વેકેશન બાદ સાંભળવાનો નિર્ણય કર્યો છે જેને કારણે સુનાવણીમાં સરળતા રહે અને સમયનો વ્યય ન થાય.તેમજ અરજદારોને પણ ન્યાય મળી રહે.

આ સમગ્ર અરજી મામલે ચીફ જસ્ટીસ અને જસ્ટીસ મોના ભટ્ટની ખંડપીઠે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુજરાત સરકારને વિવિધ ત્રણ જેટલા મુદ્દા નિશ્ચિત કરીને તેનો જવાબ માગ્યો છે. બોમ્બે લેન્ડ રેવન્યુ એકટ હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી થતી હોય તો પણ લેન્ડ ગ્રેબિંગ હેઠળ તેમને જેલમાં ધકેલી દેવા યોગ્ય નહી હોવાનો મત વ્યક્ત કરવામાં આવીરહ્યો છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટકે તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યાનું વિસ્તૃતિકરણ કર્યુ તેવી રીતે ગુજરાત સરકારે પણ પુન:વિચારણા કરવી જોઇએ. કમિટી દ્વારા કોઇ પૂર્વગ્રહ રાખીને નિર્ણય લેવાય તો શું સરકાર દ્વારા તેમના પર કોઇ મોનિટરિંગ એજન્સી નીમી છે?