વલસાડ,તા.૨૮ 

 વલસાડ શહેરમાં ૨૮મીની વહેલી સવારે સૌપ્રથમ ત્રાટકેલા ચાર ઇંચથી વધુ વરસાદના લીધે રેલવે અંડરપાસ મોગરાવાડી, છિપવાડ તથા વલસાડ પારડીમાં પાણીનો ભરાવો થતાં અને ઝડપી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો રાહદારીઓ માટે ભારે મુસીબત સર્જાઈ હતી. થોડો વાર અવર જવર પણ સ્થગિત થઇ હતી.

   રેલ અંડરપાસ ક્રમાંક ૩૩૦ માં પાણીની આવક વધુ છે પરંતુ નિકાલ માટે રસ્તા અને રેલવે વચ્ચે એકમાત્ર ગટર છે જે સાંકડી થઇ છે અને પાણીનો ઝડપી નિકાલ થતો નથી, પરિણામે રેલવેના જુના-નવા ગરનાળામાં પાણી નો ભારે ભરાવો થાય છે. ઔરંગા નદીની ઉત્તરે લીલાપોર અને વેજલપુર બે ગામોની ગુંદલાવ ચોકડી સુધીની અવર જવરમાં રસ્તા અને રેલવેના ગરનાળા ક્રમાંક ૩૩૩ ના જુના અને નવા અંડરપાસ આવેલા છે,જેમાં ચારે બાજુ- આકાશમાંથી પાણી આવે છે પરંતુ તેની નિકાલની કોઇ જ વ્યવસ્થા નથી. પરિણામે ચાર પાંચ માસ સુધી પાણી ભરાઈ રહેતા કાદવ કીચડ અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે જેનાથી માણસો ચાલીને પણ જઇ શકતા નથી.હાલમાં પૂર્વના નવા અંડરપાસ અને જુના ૩૩૩- રસ્તાના ગરનાળા વચ્ચે ભારે વરસાદી પાણીનો ભરાવો છે જેમાંથી ચાલીને પણ જઈ શકાતું નથી.