મહુધા, તા.૨૩ 

મહુધા રણછોડજી મંદિર આગળના રસ્તા પર છેલ્લાં ઘણાં સમયથી ગટરનું ઢાંકણ જર્જરિત હોવાથી અવારનવાર રાહદારીઓનો અકસ્માતને પગલે જીવ જાેખમમાં મૂકાઈ રહ્યો છે.

મહુધા નગરમાં રણછોડજી મંદિર આગળથી મામલતદાર કચેરી તરફ જતાં મુખ્ય રસ્તા પર છેલ્લાં ઘણાં સમયથી ગટરનું ઢાંકણ જર્જરિત હાલતમાં જાેવા મળી રહ્યું છે. નગરમાંથી નનામી લઈને સ્મશાન તરફ જવાનો આ એક માત્ર માર્ગ ગણાય છે. એટલું જ નહીં, પરંતુ ગામડેથી આવતાં મોટાભાગના લોકોને નગરમાં જવા આવવા સહિતનો માર્ગ માનવામાં આવે છે. ત્યારે સામાન્ય નાગરિકથી લઇને શહેર અને પંથકના પદાધિકારીઓ પણ મોટા ભાગે આ માર્ગનો ઉપયોગ કરે છે. તેમ છતા પાલિકા દ્વારા છેલ્લાં ઘણાં સમયથી ગટરના ઢાંકણું સમારકામ અથવા નવીન ઢાંકણું નાખવામાં આળસું બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગત ૫ જુલાઇના રોજ એક કારનું આગળનું વ્હીલ જર્જરિત ઢાંકણને લઇ ગટરમાં ખાબક્યું હતું. ૧૬ જુલાઇના રોજ સવારના સમયે એક સ્થાનિક યુવક અહીં જ મોપેડ સાથે ગુંલાટ ખાઇ ગયો હતો. યુવકને પગમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. લાગે છે આટઆટલું થયાં પછી પણ મહુધા નગરપાલિકા એકાદાનો જીવ જશે પછી જ આ ગટરના ઢાંકણાનું સમારકાર કરશે.