સુરત, સુરત હજીરાથી-ઘોઘા જતી રો રો ફરી રો પેક્સ સર્વિસ શરૂ થઈ ત્યારથી વિવાદમાં સપડાયેલી રહે છે. ફેરીમાં ખામી સર્જાવાના બનાવો બની રહ્યા છે તો ક્યારે ફેરી ઉપડતી જ નથી. જ્યારે આજે ફેરી હજીરાથી ઘોઘા જવા નીકળે તે અગાઉ કાર્ગો શિપને કિનારે લાવવામાં આવતી વખતે ફેરીને સ્ટેન્ડ બાય કરી દેવાઈ હોય છે. જેથી મુસાફરો અટવાય છે. સવારે સાત વાગ્યાથી હજીરા પહોંચી ગયેલા મુસાફરોને ૧૦ વાગ્યા બાદ પણ કોઈ જવાબ ન મળતાં રોષ વ્યક્ત કરી રહ્યાં છે. 

કાર્ગો શિપને કિનારે લાવવા રો રો ફેરીને દરિયામાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવતાં મુસાફરો અટવાયા છે. સુરત હજીરા-ઘોઘા રો રો ફેરી સર્વિસ ને લઈ મુસાફરોએ આજે હોબાળો મચાવ્યો છે. ૮ વાગે ઉપડવાના ટાઈમને બદલે ૧૦ વાગ્યે પણ રો રો ફેરી જહાજ હજીરા નહિ આવતા લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. મુસાફરોએ જણાવ્યું કે, ઘોઘા ૪ કલાકમાં પહોંચાડવાની વાત કરતી રો રો ફેરી જહાજ ૬ કલાકે પહોંચાડતી હોવા છતાં હજીરા સમય સર નથી આવતી કે ઉપાડતી નથી. આજે સુરતથી ઘોઘા જવાવાળા ૨૫૦-૩૦૦ મુસાફરો અટવાયા છે. મેનેજમેન્ટ કહે છે કે, કાર્ગો શિપ આવી રહ્યું હોવાથી રો રો ફેરી સમુદ્રમાં સ્ટેન્ડ બાય કરાઈ છે. વારંવાર એકના એક જવાબથી મુસાફરોમાં રોષ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રો રો સર્વિસ વિવિધ કારણોને કારણે ચર્ચામાં રહે છે. સેવા બંધ થવાને કારણે મુસાફરો અટવાઇ પડે છે.