બાલાસિનોર, તા.૮  

કોરોના વાઇરસની મહામારી સામે દેશ સહિત રાજ્ય લડત આપી રહ્યું છે. ત્યારે કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સતર્ક રહીને કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.બી. શાહે બાલાસિનોર તાલુકાના ખાંડીવાવ અને કોતરબોર ગામ તેમજ બાલસિનોર નગરના કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલાં વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે આરોગ્ય વિભાગના તબીબો પણ જાડાયાં હતાં.

આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહે તેમની મુલાકાત દરમિયાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલાં ઘરોની મુલાકાત લઈને દરેકના આરોગ્યની સાથે આયુર્વેદિક ઉકાળો, આર્સેનિક આલ્બની ગોળીઓ મળી છે કે નહીં તેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત લોકોને આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા સમજાવ્યાં હતાં. તેઓએ કહ્યું હતું કે, તમામને કમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા રોજે રોજ તપાસવામાં આવશે. તેમજ તપાસમાં કોઈ કેસ ધ્યાને આવશે તો તેમને સારવાર અને માર્ગદર્શન આપવાની સાથે નિયમિત રીતે રોજ સતત પાંચ દિવસ સુધી આર્સેનિક આલ્બ અને વિટામિનની ગોળીઓ તથા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીએ કન્ટેઇનમેન્ટ ઝોનમાં નાગરિકોને ઘરની બહાર ન નીકળવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને માસ્ક પહેરવા પણ સૂચના આપી હતી.