વડોદરા, તા.૨૭ 

ગુજરાતની તમામ અદાલતોમાં ૪થી ઓગષ્ટથી ફિઝીકલ ફાઇલીંગનું રાબેતા મુજબનું કામકાજ શરૂ કરવા હાઇકોર્ટ મંજૂરી આજે આપી હતી. આથી વડોદરા વકિલ મંડળ દ્વારા આંદોલનના તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે અને વડોદરા વકિલ મંડળની રજૂઆતોને ધ્યાને લઇને હાઇકોર્ટે લીધેલા નિર્ણયને આવકારવા સાથે આભારની લાગણી સાથે હાઇકોર્ટના નિર્ણયનો આભાર વ્યક્ત કર્યો છે.

કોરોના મહામારીને કારણે છેલ્લા ચાર માસ ઉપરાંતથી રાજ્યની હાઇકોર્ટ સહિત તમામ અદાલતોમાં કામકાજ ખોરવાયું હતું અને વકિલોના વ્યવસાયને ભારે આર્થિક ફટકો ભોગવવો પડ્યો છે ત્યારે વડોદરા વકિલ મંડળે પ્રતિક ઉપવાસ શરૂ કરી પોતાની વારંવારની રજૂઆતોને ધ્યાન પર લેવા પ્રયાસ કર્યો હતો. અને પ્રતિક ઉપવાસ પર બેઠેલા આંદોલનકારી નવ વકિલોની અટકાયત પોલીસે કરી હતી. આ બનાવ બાદ હાઇકોર્ટ બાર એશોસીએશને આગામી બુધવારથી પ્રતિક ઉપવાસ આંદોલન કરનાર હોવાની જાહેરાત કરી હતી. દરમિયાન હાઇકોર્ટે આજે ૪થી ઓગષ્ટથી હાઇકોર્ટ સહિતની તમામ અદાલતોની કાર્યવાહી રાબેતા મુજબ ચલાવવાની આજે મંજૂરી આપી છે ત્યારે વડોદરાના પાંચ હજાર વકિલો સહિત રાજ્યના ૮૮ હજાર વકિલો માટે રાહતના સમાચાર મળ્યા છે. વકિલોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.

રાજ્યની તમામ અદાલતોમાં ઓનલાઇન ફાઇલીંગની જ અને વિશેષ કેસોની જ સુનાવણી સહિતની કાર્યવાહી હાથ ધરાતી હતી. લોકડાઉન પરિસ્થિતિ બાદ અનલોક-૨ જાહેર થયું હતું અને રાજ્યની તમામ સરકારી અર્ધસરકારી કચેરીઓ સહિત સંસ્થાઓ કાર્યરત બની હતી પરંતુ માત્ર અદાલતોનું જ કામકાજ બંધ રખાતા વકિલોના અસંતોષ સાથે આક્રોશ ફેલાયો હતો અને તેઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો તે દરમિયાન જ કોરોના વાઇરસની ગાઇડલાઇન મુજબ તમામ અદાલતો ૪થી ઓગષ્ટથી કાર્યરત કરવાના હાઇકોર્ટે નિર્ણય જાહેર કર્યો છે તેને વકિલો- વકિલ મંડળોએ આવકારવા સાથે ખુશી વ્યક્ત કરી હતી.