અમદાવાદ-

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દિવાળી પછી રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ખૂબ જ વધારો થયો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા આ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. જે લોકો નિયમોનો ભંગ કરે છે તેમની પાસેથી 1 હજાર રૂપિયાના દંડની વસૂલવામાં આવી રહી છે. રાજ્યમાં દિવાળી પહેલા 800થી 900 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હતા પરંતુ હવે સરેરાશ 1,400થી 1,500 પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. કોરોનાના કેસ વધતા હોવા છતાં પણ કેટલાક લોકો હજુ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી અને જાહેર સ્થળો પર માસ્કના નિયમો અને સામાજિક અંતરનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલે રાજ્ય સરકારને કહ્યું હતું કે, આગામી શનિવાર તથા રવિવાર માટે સરકાર મોટો નિર્ણય લેશે અને કોરોનાની સ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી મેળાવડા નહીં યોજાય. આ ઉપરાંત જે લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરતા તેવા લોકો સામે પણ કાર્યવાહી કરવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. હાઇકોર્ટે આ ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વગર ફરતા લોકો સામે લાલ આંખ કરી સરકારને જણાવ્યું છે કે, માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડની સાથે-સાથે તેમને 8 દિવસ સુધી કોવિડ સેન્ટરમાં કામ કરાવો. આ બાબતે હાઈકોર્ટે સરકારને વિચાર કરી આગામી મુદ્દત સમયે જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે.