અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટમાં આજે ફાયર સેફટીના અભાવ મુદ્દે થયેલી પીટીશન અંગે સુનાવણી શરૂ થઈ હતી જેમાં સુનાવણીની શરૂઆતમાં જ કોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. અને કહ્યુ હતુ કે કોર્ટના આદેશો ખાલી કાગળ ઉપર રાખવા માટે નથી. તમામ આદેશોનું પાલન પણ થવુ જરૂરી છે અને પાલન કરવું પણ પડશે. અમદાવાદમાં ખાનગી રહેણાંકો, ઉદ્યોગો અને કોમર્શીયલ બિલ્ડીંગની પુરતી વિગતો અમદાવાદ કોર્પોરેશનને પુરતી આપી નથી. સરકારી ઈમારતો અને શાળાઓની ફાયર સેફટી અંગેની વિગતો પણ કોર્ટમાં રજુ કરો તેની તીખી ટકોર હાઈકોર્ટે અમદાવાદ મનપાને કરી હતી. વધુમાં કોર્ટે કહ્યુ હતુ કે, તમામ બિલ્ડીંગની વિગતો ઘણા બધા પાનાઓમાં છે. એનો મતલબ એ છે કે અધિકારીઓ કોર્ટના અગાઉના આદેશોનું કોઈ પાલન કર્યુ નથી કે તે કરવાની કોઈ તસ્દી પણ લીધી નથી. જ્યારે કોર્ટ આદેશ આપે ત્યારે જ કામ કરશો?

બિલ્ડીંગની પરમીશન ન હોય તેવા ઓક્યુપાયરના ગટરના પાણીના કનેકશન કાપવાની તમારી પાસે સત્તા છે. તો તેનો ઉપયોગ કેમ કરતાં નથી તેવી પણ ટકોર કરી હતી. ગેરકાયદેસર વપરાશકર્તાઓ પાસેથી ટેક્સ ઉઘરાવો છો તો તમને ખબર નથી કે બિલ્ડીંગ અસ્તિત્વમાં છે અને તેની પાસે બીયુ પરમિશન નથી જો તમે ટેક્સ ઉઘરાવી શકાત હોવ તો કાર્યવાહી કેમ કરતાં નથી. આજે સુનાવણી દરમિયાન ફાયર ઓફિસરની પુરતી સંખ્યા નહી હોવાનું પણ કોર્ટે નોંધમાં લીધુ છે. ફાયર ઓફિસરનું આઉટ સોસીંગ કરી અને તેવી જવાબદારી ત્રાહીટ વ્યક્તિને બનાવે છે તેવુ પણ કોર્ટે નોંધમાં લીધુ છે. કોર્ટે કોર્પોરેશન કહ્યુ છે કે જે અધિકારીઓ પોતાની જવાબદારી નથી નીભાવી શકતા તેમની સામે કાર્યવાહી કરો અને પગલાં લો. જે બિલ્ડીંગ પાસે ફાયર એનઓસી નથી ફાયર સેફ્ટી નથી કે બીયુ પરમીશન નથી તેવી તમામ સેવાઓને બંધ કરી દેવામાં આવે તેવી પણ હાઈકોર્ટે ટકોર કરી હતી.

કોર્ટે આજે અવલોકન કરતા કહ્યુ કે ફક્ત જવાબદારી અધિકારીઓની નથી નાગરિકોની પણ છે નાગરીકો પોતાની જવાબદારી સમજે જ્યાં સુધી કાયદાનો ડર નહી હોય ત્યાં સુધી કોઈ ફક્ત નહી પડે. અધિકારીઓની સાથે સાથે નાગરીકો સામે પણ કાર્યવાહી જરૂર થાય. રાજ્યમાં ફાયર સેફટી કે બીયુ વગરની સ્કુલો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ ટકોર કરી હતી. ત્યારે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં કહ્યુ હતુ કે ફાયર સેફટીના ઘણા પ્રશ્નો છે જેનો નીવેડો લાવવા માટે થોડો સમય જોઈએ છે. કોર્ટની આજની સુનાવણીમાં સ્કુલો અને હોસ્પિટલો ઉપર ફાયર સેફ્ટી અંગે ખાસ ધ્યાન દોરવા માટે કોર્ટે સરકારને આદેશ આપ્યા છે.