અમદાવાદ-

ગુજરાતમાં કોરોના સંક્રમણની કામગીરીમાં સતત ગુજરાત સરકારનો કાન ખેંચી રહેલી રાજય હાઇકોર્ટે આજે તેની અંતિમ સુનાવણીમાં સરકાર લોકડાઉન લાદવા માંગે છે કે કેમ અથવા તો કોરોના સંક્રમણને અટકાવવા કોઇ કડક પગલા લેવાની તૈયારીમાં છે કે કેમ સ્પષ્ટ કરવા જણાવ્યુ છે. ગુજરાત હાઇકોર્ટ સતત તેની સુનાવણીમાં કોરોના કામગીરી અંગે પ્રશ્ર્ન ઉઠાવી રહયુ છે અને રાજય સરકાર વ્યવસ્થા થઇ રહી છે અથવા તો બેડ વધી રહી છે સહિતના જવાબો આપે છે. આજે હાઇકોર્ટે સરકારને સીધો પ્રશ્ર્ન પુછી લીધો હતો કે શા માટે લોકડાઉન લાદવામાં આવતુ નથી. અથવા તો સંક્રમણને રોકવા નિયમો શા માટે આકરા બનાવાતા નથી. હાઇકોર્ટે આજે અમદાવાદની સરદાર પટેલ હોસ્પિટલમાં રેમડેસીવિર ઇન્જેકશનનો સ્ટોક હોવા છતા દર્દીઓને ન અપાયા તે મુદે પણ સરકારનો જવાબ મંગાયો છે. ઉ5રાંત ગંભીર દર્દીઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડવા માટે શા માટે 108ની સેવા અપાતી નથી તે પણ પ્રશ્ર્ન પુછયો હતો. આ ઉપરાંત આરટી-પીસીઆર ટેસ્ટ વધુ થાય તે જોવા માટે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટે કહયુ છે.ઉપરાંત કોવીડની સારવાર માટેની દવાઓના ભાવ ઘટાડવા તથા ગ્રામીણ વિસ્તારોમાં પણ ઓકસીજન અને આઇસીયુ વેન્ટીલેટરની સુવીધા મળે તે તાકીદ કરી હતી. આ ઉપરાંત હાઇકોર્ટે ટોસિલિઝુમેબ ઇન્જેકશન પણ વ્યાજબી દરે મળે તે જોવા કહયુ હતુ.