વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત્‌ રહેતાં સેમ્પલો લેવાની સંખ્યામાં વધારો કરતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આજે વધુ નવા ૧૧૧ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતાં પોઝિટિવ કેસોની સંખ્યા કુલ ૬૬૪૭ પર પહોંચી હતી, તેની સામે આજે ૪૮ દર્દીઓ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ એક દર્દીનું કોરોનામાં મૃત્યુ થયાની જાહેરાત કરાં કોરોનામાં દર્દીઓનો મૃત્યુઆંક ૧૨૪ થયો હતો, જ્યારે આજે બિનસત્તાવાર ૧૪ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાનું જાણવા મળ્યું છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૨૦૧ દર્દીઓ પૈકી ૯૯૭ સ્ટેબલ હોવાનું, ૧૪૮ ઓક્સિજન ઉપર, ૫૬ વેન્ટિલેટર ઉપર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. ગત સાંજથી આજ સુધીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારો જેવા કે વારસિયા, કારેલીબાગ, ગોત્રી, સમા, વાસણા રોડ, નાગરવાડા, દંતેશ્વર, નવાયાર્ડ, માંજલપુર, માંડવી, ગોરવા, ન્યુ વીઆઈપી રોડ, અકોટા, સુભાનપુરા, વાડી, આજવા રોડ, છાણી, અટલાદરા, ફતેપુરા, વાઘોડિયા રોડ, રાવપુરા, ઈલોરાપાર્ક તેમજ ગ્રામ્ય વિસ્તારો જેવા કે ડભાસા, પીપળી, પાદરા, ડેસર, કરજણ, શિનોર, સેગવા, સેવાસી, કોયલી, રણોલી, કરોડિયા, સાવલી સહિત અમદાવાદ વગેરેમાંથી ૧૯૨૬ શંકાસ્પદ કોરોના વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૧૧૧ અત્યાર સુધીમાં સૌથી વધુ પોઝિટિવ અને ૧૮૧૫ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે આવેલા ૧૧૧ પોઝિટિવ કેસોમાં પૂર્વ ઝોનમાં ૧૩, પશ્ચિમ ઝોનમાં ૨૯, ઉત્તર ઝોનમાં ૨૦, દક્ષિણ ઝોનમાં ૧૮ અને રૂરલમાં ૩૦ કેસો નોંધાયા હતા.ડેથ ઓડિટ કમિટીએ આજે ૧૨૪ કોરોના દર્દીઓ મોતને ભેટયા હોવાનું જાહેર કર્યું છે. જેમાં અત્યાર સુધી પૂર્વ ઝોનમાં કુલ ૧૧૨૯ દર્દીઓ પૈકી ૩૨, પશ્ચિમ ઝોનમાં ૯૮૭ પૈકી ૧૩, ઉત્તર ઝોનમાં ૧૭૯૯ પૈકી ૩૮, દક્ષિણ ઝોનમાં ૧૨૯૩ પૈકી ૩૦ અને રૂરલમાં ૧૪૦૭ પૈકી ૧૧ મળી કુલ ૧૨૪ દર્દીઓના પોઝિટિવ કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટયા હોવાનું સત્તાવાર સમર્થન આપ્યું છે. બીજી તરફ ચાલુ ઓગસ્ટ મહિનામાં શંકાસ્પદ કોરોનાના સેમ્પલો લેવાની સંખ્યામાં વધારો કરતાં પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો જાેવા મળી રહ્યો છે. આજે જીએસએફસી કંપનીમાં વધુ ત્રણ કર્મચારીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ સાથે કર્મચારીઓની સંખ્યા ૭૦ થઈ હતી. 

વાસણા રોડની એસબીઆઈના કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બ્રાંચ બે દિવસ બંધ

વાસણા રોડ સ્થિત એસબીઆઈ બ્રાન્ચમાં કોરોનાએ પગપેસારો કરતાં બેન્કના કર્મચારી કોરોના સંક્રમિત બન્યા હતા. બેન્કના કર્મચારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં બેન્કને બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે અને સેનિટાઈઝેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાજા થયેલા ૧૧ દર્દીઓએ પ્લાઝમા ડોનેટ કર્યા

મહામારી દરમ્યાન સારવાર લઈને રહેલા દર્દીઓને બ્લડ તેમજ પ્લાઝમા મળી રહે તે માટે છાત્ર સાંસદ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. પ્લાઝમા ડોનેશન ડ્રાઈવ અંતર્ગત કોર્પોરેશન અને ઈંદુ બ્લડ બેન્કના સહયોગથી શહેરમાં અત્યારસુધી કોરોનાની સારવાર મેળવીને સાજા થઇ ગયેલા ૧ હજારથી વધુ લોકોનો સંપર્ક કરીને તેમને પ્લાઝમા ડાૅનેશનનું મહત્વ સમજાવીને પ્રેરિત કરવામાં આવ્યા હતા. છાત્ર સાંસદની આ પહેલને પગલે કોરોનાથી સાજા થયેલા ૫૦થી વધુ લોકોએ પ્લાઝમા ડોનેટ કરવાની તૈયારી દર્શાવી છે. જેમાંથી ૧૧ લોકો પ્લાઝમા ડોનેટ કરી ચુક્યા છે. આગામી દિવસોમાં વધારેથી વધારે લોકોને પ્લાઝમા ડોનેશન અંગે જાગૃત કરી દર્દીઓની સારવારમાં મદદરૂપ થવાય તે માટેની કામગીરી કરવામાં આવનાર છે.