ગાંધીનગર-

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૪મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૭ તાલુકાઓ એવા છે કે જ્યાં આઠ ઈંચ થી સાડા તેર સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ૩૩૮ મીમી એટલે કે સાડા તેર ઈંચ અને મહેસાણાના કડી તાલુકામાં ૩૨૮ મીમી એટલે કે તેર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ટંકારામાં ૨૭૦ મીમી, ઉમરપાડામાં ૨૫૬ મીમી, મોરબીમાં ૨૪૯ મીમી, બેચરાજીમાં ૨૨૪ મીમી અને સરસ્વતી તાલુકામાં ૨૦૯ મીમી એટલે કે આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના ૧૫ તાલુકાઓમાં ૬ થી ૮ ઈંચ, ૩૦ તાલુકાઓમાં ૪ થી ૬ ઈંચ, ૧૪૬ તાલુકાઓમાં ૧ થી ૪ ઈંચ જયારે ૫૩ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં અંજાર, જોટાણા, મુળી, વાંકાનેર, મહેસાણા, ભચાઉ, થાનગઢ, રાધનપુર, લખતર, સુરત શહેર, વઢવાણ, હળવદ, હારિજ, પાટણ અને ગીર-ગઢડા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ૬ થી ૮ ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે સિદ્ધપુર, વિસાવદર, વિજયનગર, રાપર, ઉંઝા, કામરેજ, માળિયા-મિયાંણા, ધ્રોલ, ડેડિયાપાડા, મેઘરજ, માણસા, વિરમગામ, વડગામ, લોધિકા, ભાભર, માળિયા(જૂનાગઢ), રાજકોટ, સાયલા, કોડિનાર, ગાંધીધામ, માંડવી (સુરત), માણાવદર, વિજાપુર, ધ્રાંગધ્રા, તલાલા, ઉના, કલોલ, વાલિયા, વિરપુર અને નેત્રંગ મળી કુલ ૩૦ તાલુકાઓમાં ૪ થી ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ૧૪૬ તાલુકાઓમાં ૧ થી ૪ ઈંચ જયારે ૫૩ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.