આણંદ, તા.૩૧ 

અયોધ્યામાં રામજન્મ ભૂમિ ખાતે વિશાળ રામમંદિર નિર્માણ માટે આગામી પાંચમી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતના સંતો અને વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન અને શિલાન્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં આ પ્રસંગને લઈને માહોલ બની રહ્યો છે. આ કાર્યક્રમ હાજર રહેવા માટે ગુજરાતના સાત સંતો પૈકી આણંદના બે સંત શિરોમણીને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રામમંદિર નિર્માણ ટ્રસ્ટ દ્વારા દેશભરમાં માત્ર ૨૦૦ નિમંત્રણ મોકલવામાં આવ્યાં છે. એવું પણ કહેવાય છે કે, આ ૨૦૦ નિમંત્રણમાં લગભગ ૧૩૦ સંતો-મહંતો છે. આ ૧૩૦માં બે સંત શિરોમણી આણંદના છે. ઐતિહાસિક શ્રીરામ મંદિર શિલાન્યાસ નાં પ્રસંગે ગુજરાતમાંથી આણંદના બોચાસણ સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસ સંસ્થાના પ્રમુખ મહંત સ્વામી મહારાજ અને સારસા સતકૈવલ જ્ઞાનપીઠના ગાદીપતિ તેમજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાંથી છારોડી ગુરૂકુળના સંસ્થાપક માધવપ્રિયદાસજી, હિન્દુ આચાર્ય સભાના વડા સ્વામી પરમાનંદજી, જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના જન્મ સ્થળ પર જ રામજન્મ ભૂમિનો શિલાન્યાસ થશે.