મુંબઈ-

કોરોના વાયરસનો શિકાર બનેલા અમિતાભ બચ્ચનની હાલત સ્થિર છે. મુંબઈની નાણાવટી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમને કોરોના વાયરસના હળવા લક્ષણો છે અને તેમને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ડોકટરોની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. અમિતાભ બચ્ચને હોસ્પિટલના વહીવટી તંત્રને કહ્યું હતું કે, તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે સતત ટ્વિટર દ્વારા માહિતી આપતા રહેશે.

મળતી માહિતી મુજબ અહીં મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું કે, અમિતાભ અને અભિષેક બંનેમાં કોરોનાનાં હળવા લક્ષણો છે. જ્યારે ઝડપી એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે બંને કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજેશ ટોપે કહ્યું કે, હવે ચિંતા કરવાની કોઈ વાત નથી અને બંનેની હાલત સ્થિર છે. 

11 જુલાઈએ એટલે કે શનિવારે મોડી રાત્રે બિગ બીએ ટ્વિટર દ્વારા તેના કોરોનાને ચેપ લાગ્યો હોવાની માહિતી આપી હતી. અમિતાભ બચ્ચને એક ટ્વિટમાં કહ્યું હતું કે મને કોરોના પોઝિટિવ આવ્યો છે, આ પછી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ, હોસ્પિટલે અધિકારીઓને માહિતી આપી છે. મારા કુટુંબના સભ્યો અને કર્મચારીઓએ પણ કોરોના પરીક્ષણ કરાવ્યું છે, પરિણામોની રાહ જોવાઇ રહી છે.