નવી દિલ્હી તા.29

કોરોના મહામારીને કારણે લોકોએ હોટલ રેસ્ટોરન્ટમાં ખાવાનું બંધ કરી નાખ્યું છે કે ઓછું કરી નાંખ્યું છે ત્યારે અનેક રેસ્ટોરન્ટો, હોટેલો અને કેટરીંગ કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા મેનુમાં ઈમ્યુનીટી વધારતી વાનગીઓ પીરસવાનું શરૂ કર્યું છે.

ઘરના વડીલો હંમેશા હેલ્દી ખાવાનું ખાવાની સલાહ આપે છે પણ લોકો સ્વાદના ચકકરમાં હેલ્થ પર ઓછું ધ્યાન આપે છે. હાલ કોરોના મહામારીના ખોફના કારણે લોકોએ હોટેલમાં બહાર જમવાનું ઓછું કરી નાખ્યું છે કે બંધ કરી દીધું છે. હાલ કોરોના વાયરસથી બચવા માટે ઈમ્યુનીટી વધારવી જરૂરી છે ત્યારે હેલ્દી ભોજન લોકોની મજબૂરી બની ગઈ છે. આથી ગ્રાહકોને ફરી રેસ્ટોરન્ટમાં આવતા કરવા રેસ્ટોરન્ટથી લઈને ઓફીસ સુધી ખાવાનું સપ્લાય કરતી કેટરીંગ કંપનીઓએ મેનુમાં ઈમ્યુનીટી વધારનાર સામગ્રી સામેલ કરી છે. થાળી થશે વૈદિક, ચા એન્ટી કોરોના: આરડોર 2.1ના માર્કેટીંગ હેડ મેઘના કહે છે કે લોકોની હેલ્થને લઈને વૈદિક થાળી તૈયાર કરી છે. જેમાં ઈમ્યુનીટી બુસ્ટ કરનાર ચીજોને સામેલ કરાઈ છે. જેમાં અંજીરના કોફતા, સબ્જી હાંડીમાં ઓર્ગેનીક સ્પાઈસ અને પાલકની આઈટમ સામેલ છે.

આ સિવાય પાલકનું સૂપ સહિત બધા જ શાકભાજી ઓર્ગેનિક છે. ઈમ્યુનીક બુસ્ટ માટે કાવા ડ્રીંક પણ બનાવાયો છે. મેઘના કહે છે આ પુરી થાળીમાં અમે આમળા, ધાણા, લવીંગ, તીખા વગેરેનો ઉપયોગ કર્યો છે.

વળી કોરોનાથી બચવા માટે એન્ટી કોરોના ચા પણ માર્કેટમાં છે. એનઆરઆર ચા વાળા જગદીશકુમાર કહે છે કે આ ઈમ્યુનીટી બુસ્ટર ડ્રીંક છે. તેમાં અમે બે વેરાયટી આપી રહ્યા છીએ- જયાં એકનું નામ એન્ટી કોરાના બ્રહ્માસ્ત્ર છે તો બીજીનું નામ એન્ટી કોરોના રામબાણ છે. બન્ને ચામાં કેટલાક એવા મસાલા છે જે આપણી ઈમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરે છે.