અમદાવાદ, એએમસીએ આવાસ યોજનાના મકાન ભાડે આપનાર મકાન માલિકો સામે લાલ આંખ કરી છે. એએમસી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને  મકાનો ફાળવવામાં આવે છે. એએમસીના સામે આવ્યું છે કે કેટલાક મકાન માલિકો દ્વારા આવાસ યોજના અંતર્ગત મકાન મળ્યા બાદ મકાનો ભાડે આપવામાં આવ્યા છે. મકાન માલિકો મકાનમાં રહેવાને બદલે મકાનો ભાડે આપીને કમાણી કરે છે. ત્યારે આવા મકાન માલિકો સામે એએમસીએ કાર્યવાહી શરૂ કરી છે. કોર્પોરેશને વિવિધ આવાસ યોજનાના ૪૭૧ મકાન માલિકોને મકાન ભાડે આપવા બદલ પ્રથમ કારણદર્શક નોટિસ ફટકારી હતી. નોટિસ આપ્યા બાદ મકાન શા માટે ભાડે આપ્યું તેનો એક મહિનામાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો. એએમસીએ નોટિસ આપ્યાનો એક મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. પરંતુ ૪૭૧ માંથી માત્ર ૫૦ જેટલા મકાન માલિકોએ જ એએમસીની નોટીસનો જવાબ આપ્યો છે. ત્યારે નોટીસનો જવાબ ના આપનાર ૪૦૦થી વધુ મકાન માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવા એએમસીએ કવાયત શરૂ કરી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે એએમસી દ્વારા બનાવવામાં આવતા આવસના મકાનોમાં એજન્ટ પ્રથા ચાલી રહી છે. મળતીયા એજન્ટો દ્વારા લાગતા વળગતા લોકોના ફોર્મ ભરાવી મકાનો ફાળવવામાં આવે છે. અને મકાનો ભાડે આપવામાં આવે છે..ભાડે આપનાર મકાન માલિકો ભાજપના એજન્ટો છે. માટે એએમસીએ માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો છે. એએમસી દ્વારા વિવિધ આવાસ યોજનાની સ્કીમોના ચેરમેન પાસેથી ભાડે આપનાર મકાન માલિકોની માહિતી માંગવામાં આવી હતી. તથા એએમસીના હાઉસિંગ વિભાગ દ્વારા ભાડે આપનાર મકાન માલિકોને શોધવા માટે ઝુંબેશ પણ શરૂ કરાઇ હતી. જેમાં એએમસીને ૪૭૧ મકાન માલિકોએ મકાન ભાડે આપવાની વિગતો સામે આવી હતી .ત્યારે હવે નોટીસનો જવાબ ના આપનાર મકાન માલિકો સામે પોલીસ ફરિયાદ કરી મકાન ખાલી કરાશે. ખાલી નહીં કરનાર મકાન માલિકના મકાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાશે.