અમદાવાદ-

રાજયમાં હાલ વાવાઝોડું ગુજરાતને ધમરોળી રહ્યું છે. રાજયના અનેક ઠેકાણે હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હાલ વાવાઝોડાની અસરના ભાગરૂપે અમદાવાદમાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ શહેરમાં સુસવાટા સાથે પવન ફુંકાઇ રહ્યો છે. ભારે પવન સાથે વરસાદને કારણે લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે. રસ્તા પર વાહનવ્યવહારો થંભી ગયા છે. હાલ વાવાઝોડું અમદાવાદ શહેર પર પ્રકોપ વરસાવી રહ્યું હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજયના હવામાન વિભાગે હજુ પણ આગામી 24 કલાક રાજય માટે ભારે હોવાનું કહ્યું છે.

રાજ્યના હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તાઉ-તે’ વાવાઝોડું હાલ બોટાદની આસપાસ કેન્દ્રીત થયું છે, જે કલાકના 7 કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે. જોકે, વાવાઝોડાની ગતિ ધીમી પડી હોવાનું પણ હવામાન વિભાગે ઉમેર્યું છે. પરંતુ, ભારે પવનને કારણે સાવચેત રહેવાની સલાહ પણ આપી છે.