વડોદરા : વાડી વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતી યુવાન પરિણીતાના પતિએ તેની પ્રથમ પત્નીને ફરી ઘરે લાવવાના મુદ્દે તેમજ બે વર્ષ દરમિયાન નિઃસંતાન રહેવાના મુદ્દે મેરેજની બીજી એનિવર્સરીના દિવસે જ બીજી પત્નીની મારઝુડ કરી હતી તેમજ તેને ત્રણ વખત તલ્લાક બોલીને તે ફરાર થયો હતો. આ બનાવી પરિણીતાએ વાડી પોલીસ મથકમાં તેના પતિ અને સાસુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વાડી મોટી વ્હોરવાડમાં મોટી મસ્જીદ પાસે પિયરમાં રહેતી ૨૭ વર્ષીય રૂખસાર રાજમહંદમ શેખનું ગત ૨૬-૨-૨૦૧૯ના રોજ મુસ્લીમ જ્ઞાતીના રિવાજ મુજબ મહંમદતાહીર મોહંમદહુસેન મન્સુરી (વાડી, નવાપુરા નાકા પાસે, ગાંધી મેડિકલ સ્ટોર સામે) સાથે નિકાહ થયા હતા. નિકાહ બાદ રૂખસાર સંયુક્તકુટુંબવાળી સાસરીમાં રહેવા માટે ગઈ હતી જયાં લગ્નના છ માસ સુધી પતિએ તેને સારી રીતે રાખી હતી. જાેકે ત્યારબાદ તેને જાણ થઈ હતી કે તેના પતિના આ બીજા નિકાહ છે અને પતિની અગાઉની પત્ની રઝિયાએ કેસ કરતા તેનો કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે. નિકાહના છ માસ બાદ પતિએ જણાવ્યું હતું કે હું મારી અગાઉની પત્ની રઝિયાને ઘરે પરત લાવવાનો છુ.

રૂખસારે પ્રથમ પત્નીને ઘરે લાવવાનો વિરોધ કરતા પતિએ અવારનવાર ઘરકામ અને જમવાનું બનાવવાના મુદ્દે મેણાટોણા મારવાનું શરૂ કર્યું હતું તેમજ તને પ્રેગનન્સી કેમ રહેતી નથી ?તેમ કહી બોલાચાલી કરી મારઝુડ શરૂ કરી હતી. ઘરસંસાર ના બગડે તે માટે રૂખસાર પતિનો શારીરિક માનસિક ત્રાસ સહન કરી પતિને સમજાવવાનો પ્રયાસ કરતી હતી પરંતું તેની સાસુ હમીદાબાનું પતિની કાનભંભેરણી કરી ચઢામણી કરતી હતી જેથી પતિ તેને વારંવાર ત્રાસ આપતો હતો. ગત ૨૬મી ફેબ્રુઆરીએ રૂખસારની નિકાબની બીજી એનીવર્સરી હતી જેથી રૂખસાર પિયરિયાઓને મળવા માટે ગઈ હતી.

આ દરમિયાન સાંજના સમયે તેનો પતિ પિયરમાં આવ્યો હતો અને તેણે રૂખસારના માતા-પિતા તેમજ પિયરિયાઓની હાજરીમાં પત્ની રૂખસાર સાથે ઝઘડો કર્યો હતો અને મુસ્લીમ જ્ઞાતીના રિવાજ મુજબ તે પત્નીને ત્રણ વખત તલ્લાક બોલી પત્નીને તરછોડીને ફરાર થયો હતો. હાલમાં પિયરમાં રહેતી રૂખસારને પતિએ હેરાન પરેશાન કરી થાય તે કરી લેવાની ધમકી આપતા આ બનાવની રૂખસારે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે રૂખસારના પતિ મંહમદતાહીર અને સાસુ હમીદાબાનુ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.