વડોદરા : વડોદરા શહેરના પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં વહીવટીતંત્ર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે સમરસ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે પરંતુ આ સમરસ કોવિડ હોસ્પિટલમાં તબીબી સ્ટાફ, કર્મચારી સ્ટાફ તેમજ સારવારની પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે વિવાદમાં સપડાયેલી રહે છે. આજે પણ વેન્ટિલેટર, સ્ટ્રેચર તથા પીવાના પાણીની અસુવિધાને લઈને હોસ્પિટલમાં દાખલ શાહ પરિવારની મહિલા દર્દીનું સમયસર સારવાર ન મળતાં મોત નીપજ્યું હતું, જેના કારણે મૃતક મહિલા દર્દીના પતિએ આ સુવિધા મામલે રોષની લાગણી વ્યક્ત કરી હતી. એટલું જ નહી મેડિકલ ઈન્સ્યોરન્સના કાગળો પણ આપવામાં ન આવતાં મૃતક મહિલાના પતિ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોસ્પિટલના ગેટની પાસે ધરણાં પર બેસી વિરોધ નોંધાવવા આવી પહોંચ્યા હતા.

સમરસ હોસ્પિટલમાં ચાલી રહેલી લાલિયાવાડીના બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરના રહેતા શાહ પરિવારની નર્સગીબેન શાહને શનિવારના રોજ કોરોનાની સારવાર માટે સમરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. દાખલ કર્યા બાદ તબીબી સ્ટાફ તેમજ કર્મચારી સ્ટાફ તરફથી કોઈ કાળજી લેવામાં ન આવતાં તથા વોર્ડમાં પીવાનું પાણી ન આવતાં આ અસુવિધા મામલે મહિલા દર્દીએ તેમના પતિ હિરલભાઈ સહાને જણાવતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં તપાસ કરતાં દાખલ વોર્ડમાં પીવાના પાણીની અછત જાેવા મળી હતી, જેથી તેમને પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ તેમના પત્નીને વેન્ટિલેટરની જરૂર પડતાં ફરજ પરના તબીબ સ્ટાફે દર્દીને વેન્ટિલેટર લઈ આવવા માટે જણાવ્યું હતું. જેથી મહિલા દર્દીના પતિ દ્વીધામાં મૂકાઇ ગયા હતા અને જણાવ્યું હતું કે અમે વેન્ટિલેટર ક્યાંથી લઇ આવીએ, જેથી મહિલા દર્દીને વોર્ડમાં જ રાખી મૂકવામાં આવી હતી. જ્યારે વેન્ટિલેટર મળ્યું ત્યારે વેન્ટિલેટર વોર્ડમાં લઈ જવા માટે સ્ટ્રેચરની અછત હોવાથી યોગ્ય સમયે સ્ટ્રેચર મળી ન હતું. જાે કે, વ્હીલચેર મળી હતી, તે બાદ દર્દીને વ્હીલચેરમાં બેસાડી વેન્ટિલેટરમાં લઇ જવામાં આવતાં વ્હીલચેર વોર્ડમાં પ્રવેશ જઈ શકે તેવી સ્થિતિ ન હતી જેથી મહિલા દર્દીને યોગ્ય સમયે સારવાર ન મળતાં તેમજ શિફટ કરવાના સાધનો ન મળતાં આખરે મહિલા દર્દીનું વેન્ટિલેટરની સારવાર મળે એ પહેલાં જ મૃત્યુ થયું હતું. સારવારની સુવિધાના સાધનોની અછતને કારણે મહિલા દર્દીનું મૃત્યુ થતાં દર્દીના પતિનો રોષ આસમાને પહોંચ્યો હતો અને હોસ્પિટલમાં તબીબી સ્ટાફને સારવારના સાધનોની અછત આ મામલે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, મહિલા દર્દીની ફાઈલમાંથી જરૂરી એવા મેડિકલ ઈન્સ્યોરન્સના કાગળો પણ તબીબી સ્ટાફ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા હતા. જેથી મૃતક મહિલાના પતિ હોસ્પિટલના સત્તાધીશોને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ સત્તાધીશો તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતાં તેઓ રોષે ભરાયા હતા અને હોસ્પિટલમાં ચાલી રહેલી બેદરકારી, લાલિયાવાડી તેમજ લાપરવાહીની સાથે સારવારના સાધનોની અછતના મુદ્દે મૃતક મહિલા દર્દીના હિરલભાઈ શાહ હોસ્પિટલના ગેટની બહાર ધરણાં કરી વિરોધ દર્શાવવા માટે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલના સત્તાધીશો, નેતાઓ હિરલભાઈને સમજાવવા માટે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં સુવિધાના સાધનોની અછતની સમસ્યા ઉપર પરદો પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.