અબુ ધાબી - 

IPLની 13મી સીઝનની 11મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અબુ ધાબી ખાતે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું છે. 163 રનનો પીછો કરતાં દિલ્હી કેપિટલ્સ 7 વિકેટે 147 રન જ કરી શક્યું. હૈદરાબાદ માટે સ્પિનર રાશિદ ખાને મહત્ત્વની ભૂમિકા ભજવતાં 4 ઓવરમાં માત્ર 14 ઓવર રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે પણ દિલ્હીના 2 બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા. દિલ્હી માટે શિખર ધવને સર્વાધિક 34 રન કર્યા. આ મેચ જીતીને હૈદરાબાદે પોઈન્ટ્સ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું છે

પૃથ્વી શો 2 રને ભુવનેશ્વર કુમારની બોલિંગમાં કીપર બેરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો. એ પછી શ્રેયસ ઐયર રાશિદ ખાનની બોલિંગમાં ડીપ કવર્સ પર સમદના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 2 ફોરની મદદથી 17 રન કર્યા હતા. શિખર ધવન રાશિદ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 4 ફોરની મદદથી 34 રન કર્યા હતા. અમ્પાયરે તેને નોટઆઉટ આપતાં હૈદરાબાદે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા હતા. ડેવિડ વોર્નર (45) અને જોની બેરસ્ટો (53)એ પ્રથમ વિકેટ માટે 77 રન કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેમના સિવાય કેન વિલિયમ્સને 26 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું. દિલ્હી માટે અમિત મિશ્રા અને કગીસો રબાડાએ 2-2 વિકેટ લીધી.