અરવલ્લી : રાજયમાં ગુણવત્તાયુક્ત અને રસાયણમુક્ત ખેતી તરફ ખેડૂતો પગરવ માંડે તે માટે રાજ્ય સરકારે કૃષિ કલ્યાણના સાત પગલા યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત મોડાસા અને ભિલોડા ખાતે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય નિભાવ ખર્ચ અને અને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવવાની યોજનાનું લોકાપર્ણ તેમજ લાભાર્થીઓને સહાયના મંજૂરી પત્રોે એનાયત કાર્યક્રમ યોજાયો હતો. મોડાસા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, સરકારની ખેડૂતો માટે કૃષિ કલ્યાણની યોજનાઓથી ખેડૂતોમાં આર્થિક સધ્ધરતા આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ સંપૂર્ણ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય નિભાવ ખર્ચ સહાય યોજના તેમજ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવાની યોજનાને ખુલ્લી મુકી છે. જેનાથી ગુણવત્તાયુકત અને રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન મળશે. રાજયમાં કૃષિલક્ષી યોજનાઓની માહિતી દરેક ખેડૂતના ધરે સરળતાથી મળી રહે તે માટે આજે ઇન્ટરનેટના માધ્યમથી ખેડૂતો પોતાની વિચારધારા વૈશ્વિકસ્તરે ડગ માંડી રહ્યા છે. ભિલોડાની આર.જે તન્ના પ્રેરણા વિધાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતુંકે, આવનારા સમયમાં જંતુનાશક દવાઓ યુક્ત ખેતપેદાશ, પૌષ્ટીક આહાર, જમીન અને પર્યાવરણ સુધારણા જેવા અભિગમો સામે પ્રાકૃતિક ખેતી ઉત્તમ વિકલ્પ છે. જેથી સરકાર દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સાત ક્રાંતિકારી ર્નિણય લીધા છે. કલેકટરે જણાવ્યું હતું કે, રાજ્યમાં એક લાખથી વધુ ખેડૂતો દેશી ગાય આધારીત ખેતી કરતા થયા છે. તેમણે રૂ. ૬૬ કરોડથી વધુની રકમની સહાય ચુકવણી કરાઇ રહી છે. તેમણે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.