ગાંધીનગર

રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાં સંક્રમણ, ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અને તેની કામગીરી અંગે, રાજ્યમાં કોરોના રસીકરણ અંગે ચર્ચા કરાઈ હતી. તેમજ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટેના આયોજન અને મંત્રીઓને સોંપાયેલા પ્રભારી જિલ્લાઓની સંક્રમણની સ્થિતિ અંગેના રિપોર્ટ રજૂ કરાયા હતા. આ ઉપરાંત રાજ્યમાં આવનારા સંભવિત વાવાઝોડા અંગે લેવાનારા પગલાંઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકની બેઠક મળી હતી, જેમાં કેટલાક મહત્વનો ર્નિણય લેવાયા છે. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર અને કિશોર કાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય સચિવ સાથે ગઇકાલે પ્રિમોન્સૂન એક્શન પ્લાનની તૈયારીની ચર્ચા કરી હતી. જેમાં તા. ૧૪ મી મેના રોજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં વાવાઝોડું સર્જાઈ શકે તેવી સંભાવના છે. જે તા. ૧૬ મી મેના રોજ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાનું નામ ટોટે આપવામાં આવશે તેમ પણ ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના કચ્છ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારોમાં અસર જાેવા મળશે. ભૂતકાળમાં વાવાઝોડા સામે જે વ્યવસ્થાઓ કરી હતી તે વ્યવસ્થાઓ માટે અત્યારે કરવાની શરૂઆત કરી દેવાઈ છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરાઈ રહી છે. આ કોવિડ કેર સેન્ટરમાં કરેલી કામગીરીને કારણે કોરોના મુક્ત ગામ માટે કામગીરી થઈ રહી છે. આજે ડિસ્ચાર્જ કેસની સંખ્યામાં વધારો થયો છે.ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મારું શહેર કોરોના મુક્ત શહેર બને તે અભિયાન ચલાવવામાં આવશે. તેની જવાબદારી રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓને સોંપાઈ છે. આજની કેબિનેટ બેઠકમાં આ ર્નિણય લેવાયો છે.

સીએચસી ખાતે ક્યારે પ્લાન્ટ ઉપલબ્ધ થશે? તે અંગે કાનાણીએ મૌન સેવ્યું

રાજ્યના વિવિધ ૩૪૮ સીએચસી ખાતે સરકાર દ્વારા લોકભાગીદારીથી ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે તેમ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું હતું. જે અંગે પત્રકારો દ્વારા આ પ્લાન્ટ કેટલા સમયમાં ઉભા કરાશે? તે અંગેનો સવાલ કરતા રાજ્ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, આ અંગે હાલ સરવેની કામગીરી ચાલી રહી છે, તે પૂર્ણ થયા બાદ જાણી શકાશે. આ સરવેની કામગીરી ક્યારે પૂર્ણ થશે? તેવો સવાલ કરતા આરોગ્ય રાજ્ય મંત્રી કાનાણીએ ઝડપથી પૂર્ણ થશે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. તેમ છતાં તેમને કેટલા સમયમાં આ પૂર્ણ થશે તેવું વારંવાર પૂછવામાં આવતા તેમણે મૌન સેવી લીધું હતું.