અમદાવાદ, અમદાવાદ શહેરના બહુચર્ચિત એવા પોપ્યુલર બિલ્ડર કેસમાં આવકવેરા વિભાગ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા રૂપિયા ૧૦૦૦  કરોડની પ્રોપર્ટી ટાંચમાં લેવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. આ કાર્યવાહી બાદ આવકવેરા વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટો ખુલાસો કર્યો છે. જેમાં આવકવેરા વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદની રૂ. ૬૦૦ કરોડ અને અમદાવાદ બહારની રૂ. ૪૦૦ કરોડ સહિત કુલ રૂપિયા ૧૦૦૦ કરોડની પ્રોપર્ટીને આવકવેરા વિભાગ દ્વારા ટાંચમાં લેવામાં આવી છે. અમદાવાદ બહારની પ્રોપર્ટીમાં સાણંદ અને કલોલમાં આવેલી ૬૩ પ્રોપર્ટી મળીને કેલીયા વાસણા, ગરોળિયા સહિત તમામ પ્રોપર્ટીને આવકવેરા વિભાગ દ્વારા ટાચમાં લેવાઈ છે. આવકવેરા વિભાગ દ્વારા સોમવાર સાંજ સુધીમાં ૨૩૪ શો કોઝ નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. 

આ ઉપરાંત આ તપાસ કામગીરી દરમિયાન બેનામી ધારા હેઠળની મિલકત બાબતે ૨૭ લોકેશન, ૨૩ લોકર અને અસંખ્ય દસ્તાવેજાે મળી આવ્યા છે. જ્યારે આવક વેરા વિભાગ દ્વારા રૂપિયા ત્રણ કરોડ ૧૯ લાખની મિલકત સિઝ કરવામાં આવી છે. જેમાં રૂપિયા ૯૧, ૧૧,૦૦૦ રોકડા રૂ. ૨.૨૭ કરોડની કિંમતના દાગીના તેમજ લેન્ડ ડિલિંગના દસ્તાવેજ મળ્યા છે. તેઓ બીજા લોકોના નામે જમીન અને મકાન ખરીદી, એમઓયુ ના આધારે પ્રોપર્ટી પોતાના કબજામાં રાખતા હતા. તેઓ ડમી ખરીદનાર માલિકને પોતાને ત્યાં નોકરીએ રાખતા અથવા એક ટકો કમિશન આપતા હતા. આ તપાસ દરમિયાન આવકવેરા વિભાગને ૨૨ લાખ સ્કવેર મીટર જમીન મળી છે. તેની સાથે સાથે ૧૦૦થી વધુ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે.

આવકવેરા વિભાગ દ્વારા પોપ્યુલર ગ્રૂપના રમણ પટેલની કરાયેલી પૂછપરછમાં પણ મોટા ખુલાસા થયા હતા. જેમાં ૧૬ કો-ઓપરેટિવ સોસાયટીનો ઉપયોગ કરી ૧૦ વ્યક્તિના નામે જમીનો લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. જેને કારણે બેનામી ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ પ્રોપર્ટીઝના પ્રોવિઝનલ એટેચમેન્ટના આદેશો કર્યા છે. જ્યારે ૪૯ પ્રોપર્ટીઓ બાબતે શો કોઝ નોટિસ આપવામાં આવી છે. પોપ્યુલર ગ્રૂપ દ્વારા લોકોની જમીનો પચાવી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ષડયંત્રમાં ૮૨,૧૨૮ સ્કવેર મીટર અને ૫ લાખ ૧૦ હજાર ૭૨૮ વ્યક્તિગત જમીન મળી છે.  વ્યક્તિગત પ્રોપર્ટી પર તપાસ હજુ ચાલી રહી હોવાનું પણ આવકવેરા વિભાગે જણાવ્યું હતું.