ઓમાન-

ભારતીય મૂળના બેટ્‌સમેન જસકરણ મલ્હોત્રાએ ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી અમેરિકા અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચેની વનડે મેચમાં એક જ ઓવરમાં ૬ છગ્ગા ફટકારીને ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. તે વનડે ક્રિકેટમાં આ રેકોર્ડ હાંસલ કરનાર વિશ્વનો બીજો બેટ્‌સમેન બની ગયો છે. તેમના પહેલા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનર હર્શેલ ગિબ્સે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૦૭ માં નેધરલેન્ડ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.

આ પહેલા પાપુઆ ન્યૂ ગિનીએ ટોસ જીતીને આ વનડે મેચમાં પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અમેરિકાએ વહેલી શરૂઆતમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા જસકરન મલ્હોત્રાએ ૧૨૪ બોલમાં ૧૭૩ રનની અણનમ સદી ફટકારી હતી જેમાં ૪ ચોગ્ગા અને ૧૬ છગ્ગા સામેલ હતા. જસકરણ મલ્હોત્રા પણ વનડે ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારનાર અમેરિકાનો પ્રથમ બેટ્‌સમેન બન્યો હતો. જસકરને પાપુઆ ન્યૂ ગિનીના બોલર ગૌડી કોટા સામે ઇનિંગની છેલ્લી ઓવરમાં ૬ સિક્સર ફટકારી હતી.

૨૦૦૭ ના વર્લ્ડ કપ દરમિયાન નેધરલેન્ડના બોલર ડેન વાન બુંજ સામે દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્‌સમેન હર્શેલ ગિબ્સે ઇનિંગની ૩૦ મી ઓવરમાં એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી હતી. હર્શેલ ગિબ્સે વનડે ક્રિકેટમાં પ્રથમ વખત આ પરાક્રમ કર્યું અને નવો ઇતિહાસ રચ્યો.