નવી દિલ્હી 

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ક્વોરન્ટીન પીરિયડમાં પણ ટ્રેનિંગ કરી શકશે. જોકે, વનડે અને T-20 સીરિઝ હવે સિડની અને કેનબરામાં જ રમાશે. પહેલા વિરાટની ટીમ બ્રિસ્બેન જવાની હતી. જોકે, ત્યાં તેમને 14 દિવસના ક્વોરન્ટીન પીરિયડ દરમિયાન ટ્રેનિંગ કરવાની મંજૂરી નહોતી. ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફો અનુસાર, ઓસ્ટ્રેલિયન રાજ્ય સાઉથ વેલ્સ દ્વારા ક્વોરન્ટીન પીરિયડ દરમિયાન ટ્રેનિંગ કરવાની અનુમતિ આપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતે ત્રણ T-20 અને ત્રણ વનડેની સીરિઝ રમવાની છે, તેમજ ચાર ટેસ્ટની સીરિઝમાં પણ ટીમ ઇન્ડિયા કાંગારું સામે ટકરાશે. હવે પ્રથમ બે વનડે મેચ 27 અને 29 નવેમ્બરના રોજ સિડનીમાં રમાશે. જ્યારે અંતિમ વનડે કેનબરાના મનુકા ગ્રાઉન્ડ ખાતે રમાશે. પ્રથમ T-20 પણ કેનબરામાં યોજાશે. તે પછી ટીમ સિડની પરત ફરશે. જ્યાં બાકીની બે T-20 મેચ રમવામાં આવશે.

તે પછી ટીમ ટેસ્ટ મેચ રમવા એડિલેડ જશે. જ્યાં 17થી 21 ડિસેમ્બર દરમિયાન ડે-નાઈટ ટેસ્ટ રમાશે. મેલબોર્નમાં મેચના આયોજનની અનુમતિ ન મળે તો બોક્સિંગ ડે ટેસ્ટ પણ એડિલેડમાં થઇ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા BCCIની પરવાનગી મેળવ્યા બાદ આ અંગે ઓફિશિયલ જાહેરાત કરશે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં આવતા વર્ષે 7 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન રમાશે. જ્યારે સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં 15 જાન્યુઆરીથી શરૂ થઇ શકે છે.