અમદાવાદ : ગત અઠવાડિયે પાલનપુર સ્થિત બનાસ ડેરીએ દેશનો સૌથી પહેલો બાયો-સીએનજી પંપ શરૂ કર્યો છે. છાણમાંથી ગેસ ઉત્પાદિત કરવાનો પ્લાન્ટ શરૂ કર્યા બાદ તેનું કોમર્શિયલ વેચાણ પણ શરૂ કરાયું છે. બનાસ ડેરી સીએનજીને ૫૦ રૂપિયે કિલો વેચે છે, જેની કિંમત પ્રવર્તમાન માર્કેટ રેટ કરતા નીચી છે. બનાસ ડેરીના સિનિયર જનરલ મેનેજર વિરેન દોશીએ કહ્યું, ૧૨ ગામોમાં આવેલા ૨૫૦ ખેતરોમાંથી ડેરીને દૈનિક ૪૦ ટન છાણ મળે છે. ખેડૂતોને પ્રતિ કિલો છાણે એક રૂપિયો આપવામાં આવે છે. દૂધની જેમ જ દર ૧૫ દિવસે ખેડૂતોના ખાતામાં આ રૂપિયા પણ જમા થાય છે. અમે રોજ ૨૦૦ ક્યૂબિક મીટર કાચા બાયોગેસનું ઉત્પાદન કરીએ છીએ. તેમાંથી ૮૦૦ કિલો બાયો-સીએનજી રોજ ઉત્પાદિત થાય છે. પંપ બનાવવા માટેના જમીન ખર્ચ ઉપરાંત ડેરીએ ૮ કરોડ રૂપિયા શુદ્ધિકરણ પ્લાન્ટ અને રિટેલ ડિસ્પેન્સિંગ સ્ટેશન પાછળ રોક્યા છે. બાયો-ગેસના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન બાય પ્રોડક્ટ તરીકે લિક્વિડ અને સોલિડ ફર્ટિલાઈઝર તેમજ પેસ્ટીસાઈડ મળે છે. જે ખેડૂતોને વેચવામાં આવે છે.