વડોદરા, તા.૫ 

વડોદરા રેલવે સ્ટેશન સામે બનેલા જનમહેલથી તમામ સુવિધા સાથે સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ સિટી અંતર્ગત શરૂ કરવામાં આવેલા આ સિટી બસ સ્ટેન્ડથી ડેપો જવા કે બહાર નીકળવા માટે એક કિ.મી.ની પદયાત્રા કરવી પડે છે. એન્ટ્રી, એક્ઝીટ અલગ બનાવાઇ છે. પરંતુ ક્યાંય બોર્ડ લગાવ્યા ન હોઇ સિક્યોરીટી અને પેસેન્જર વચ્ચે ચકમકના બનાવો બની રહ્યા છે.

સ્માર્ટ સિટી અંતર્ગત રેલવે સ્ટેશનની સામે જનમહેલમાં સિટી બસ ટ્રાન્સપોર્ટેશન બહ બનાવવામાં આવ્યું છે.

રેલવે સ્ટેેશન, સેન્ટ્રલ એસ.ટી. ડેપો અને સિટી બસ સ્ટેશન એમ ત્રણે પેસેન્જરોની અવર-જવર માટે જાેડવામાંઆવશે તેવા ઉદ્દેસ સાથે આ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો. પરંતુ વાસ્તવિક રીતે જનમહેલમાં સિટી બસ સેવા શરૂ કરાયા બાદ કોઇ પેસેન્જરને સિટી બસ ડેપોમાંથી સ્ટેશન કે એસ.ટી. ડેપો અથવા રીક્ષા સ્ટેન્ડ પર જવું હોય તો એક કિ.મી. ચાલતા જવુ પડે તેવો ઘાટ સર્જાયો છે. જેને કારણે મુસાફરો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

હાઇટેક સિટી બસ સ્ટેન્ડમાં એન્ટ્રી-એક્ઝિટના દિશા સૂચક બોર્ડ પણ મૂક્યા નથી જેથી લોકોને જનમહેલમાંથી બહાર નીકળવાની તકલીફ થાય છે. અને અવારનવાર પેસેન્જરો અને સિક્યુરીટી વચ્ચે ચકમકના બનાવો બને છે. સામાન્ય રીતે કોઇ પણ પબ્લીક ટ્રાન્સપોર્ટ એટલે રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો કે સિટી બસ સ્ટેન્ડ, ઉપરાંત ટેક્સી કે રીક્ષા સ્ટેન્ડ એકબીજાથી કનેક્ટ હોય છે અને લોકો સહેલાઇથી જઇ શકે તે માટે નજીક જ બનાવવામાં આવે છે. પરંતુ આ તો સુવિધાના સ્થાને લોકોની મુશ્કેલી વધી હોવાનુ પેસેન્જરોએ જણાવ્યું છે. જાેકે હાલમાં જૂના બસ સ્ટેન્ડ પર પીકઅપની સુવિધા યથાવત રાખવામાં આવી છે.