અમદાવાદ-

ભારતમાં કોરોનાની વેક્સિન બનાવી રહેલી કેડિલા હેલ્થકેર લિમિટેડ એ મોટી માત્રામાં કોરોના વાયરસ વેક્સિનના ઉત્પાદનની તૈયારી શરૂ કરી દીધી છે. કેડિલા હેલ્ખકેર લિમિટેડ એ તેના માટે સંભવિત પાર્ટનર સાથે વાતચીત શરૂ કરી છે અને ઉત્પાદન કેપેસિટીમાં પણ કોરોના વેક્સિન ઉત્પાદન ક્ષમતા વધારવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

કેડિલા હેલ્થકેરના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે કહ્યું હતું કે અમદાવાદની કંપની કોરોના વેક્સિનનું મોટાપ્રમાણમાં ઉત્પાદન કરવા માટે કોન્ટેક્ટ મેન્યુફેક્ચરર્સની શોધ કરી રહી છે. કંપની વેક્સિનના સાત કરોડ ડોઝ બનાવવા માટે પાર્ટનર શોધી રહી છે. પ્લાઝમિડ ડીએનએ વેક્સિન નામની કોરોના વેક્સિન બનાવવા માટે કંપની ૧૦ કરોડ કરતાં વધુ ડોઝ તો તેના પ્લાન્ટમાં બનાવી શકે તેમ છે. જો કે વેક્સિન બનાવવા માટે કઇ કંપની સાથે વાતચીત ચાલે છે તે અંગે તેમણે કહેવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ તેમણે કહ્યું કે અમે વેક્સિનની હ્યુમન ટ્રાયલના ફેસ ટુ ના આંકડાની રાહ જોઇ રહ્યાં છીએ. ઘણાં લોકો કેડિલાની વેક્સિનનો ઉપયોગ કરવા માગે છે અને અન્ય દેશોમાંથી પણ તેની ડિમાન્ડ આવી રહી છે. અમે અન્ય બજારોમાં કોરોના વાયરસની વેક્સિન વેચવા માટે લાયસન્સ આપવા માટે વિચારી રહ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે અમે ભારતની બહાર પણ કોરોના વેક્સિનના ઉત્પાદનની સંભાવના શોધી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાં સમય પહેલાં કહ્યું હતું કે કોરોના વાયરસ સામે સુરક્ષિત અને પ્રભાવી વેક્સિનને વિકસિત કરવાની ભારતની પ્રાથમિકતા છે. આ પ્રાથમિકતા પ્રમાણે અમે વેક્સિન સપ્લાય કરવા માટે આશાવાદી છીએ.