વડોદરા,તા.૩  

વડોદરા શહેરના કારેલીબાગ એલએન્ડટી સર્કલ પાસે આવેલ રાત્રી બજારને સોમવારે રાત્રીના સમયે એકાએક ૧૧ વાગે બંધ કરી દેવામાં આવતા પાલિકા-પોલીસના અણઘડ ર્નિણયોથી વેપારીઓને ભારે નુકશાન થવા પામ્યું છે. આને લઈને ખાણીપીણીના વેપારીઓને તૈયાર ભોજન સામગ્રીને કચરામાં ફેંકી દેવાનો વારો આવ્યો હતો. માર્ચ માસથી શરુ થયેલ કોરોનાની વૈશ્વિક મંદીને મહામારીને કારણે છ - છ માસ સુધી લોકડાઉનને લઈને વેપાર બંધ રાખીને કામદારોને બેઠા બેઠા પગાર ચુકાવનાર વેપારીઓ આર્થિક સંકટમાં આવી ગયા હતા. આટલું ઓછું હોય એમ માંડ માંડ વેપાર ધંધા ચાલુ થયા ત્યારે ગિયરમાં આવેલા આ વેપારને પાલિકા અને પોલીસનું ગ્રહણ એકાએક ભરખી ગયું છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સોમવારે અગ્યાર વાગે રાત્રી બજાર ધાકધમકીના જોરે પોલીસ દ્વારા બંધ કરાતા વેપારીઓ નારાજ થયા હતા. જેઓએ રાત્રી બજારના ધંધાનું મોત, કમિશ્નર રાત્રી બજારનો જૂનો ટાઈમ પાછો આપો, કોર્પોરેશન ૬ માસનું ભાડું માફ કરો જેવા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે દેખાવો યોજ્યા હતા. વેપારીઓએ નારાજગી વ્યક્ત કરીને પાલિકા અને પોલીસ સામે પોતાનો આક્રોષ વ્યક્ત કર્યો હતો. રાત્રી બજારને એકાએક બંધ કરાતા વેપારીઓના તૈયાર મળને ફેંકી દેવાનો વારો આવતા ભારે આર્થિક નુકશાન થયાનું જણાવ્યું હતું.