દિલ્હી-

દિલ્હી પોલીસને અરવિંદ કેજરીવાલ સરકારનો આંચકો મળ્યો છે. દિલ્હી સરકારે 9 સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની પોલીસની માંગને ફગાવી દીધી છે. દિલ્હી પોલીસે ખેડુતોના વિરોધને કારણે હંગામી જેલની માંગ કરી હતી. દિલ્હી સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, ખેડૂતોની માંગ ન્યાયી છે, તેથી તેમને જેલમાં મૂકવું યોગ્ય નથી.

દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, ખેડૂતોની માંગ યોગ્ય છે અને તેમનું પ્રદર્શન અહિંસક રીતે કરવામાં આવી રહ્યું છે. શુક્રવારે સવારે ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી બોર્ડર પર આવ્યા હતા, ત્યારબાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર છે અને રાજધાનીમાં પ્રવેશ કરી શકે છે. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસે કુલ 9 સ્ટેડિયમ્સને હંગામી જેલ તરીકે બનાવવા રાજ્ય સરકારની પરવાનગી માંગી હતી. જેથી જો દિલ્હીમાં ખેડુતો એકઠા થાય તો તેમના પર કાર્યવાહી થઈ શકે. 

દિલ્હી પોલીસની આ અપીલ બાદ આમ આદમી પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા મળી છે. આપના નેતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે તેઓ પોલીસ સરકારની આ અપીલને નકારી કાઢવા રાજ્ય સરકારને અપીલ કરે છે. રાઘવે કહ્યું કે, ખેડૂતોને તેમના વિશે બોલવાનો અધિકાર છે અને તેઓને ગુનેગારની જેમ વર્તી શકાય નહીં.