તિરુવનંતપુરમ્‌-

કેરલાના સબરીમાલા મંદિરના મામલામાં કેરલ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેના પ્રમાણે ૧૦ વર્ષથી ઓછી વયની બાળકીઓને તેમના પિતાની સાથે મંદિરમાં પ્રવેશ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. આ મામલામાં ૯ વર્ષની એક બાળકીએ કોર્ટમાં પિટિશન કરી હતી અને તેમાં તેણે કોર્ટને અપીલ કરી હતી કે, ૨૩ ઓગસ્ટે મને મારા પિતા સાથે સબરીમાલા મંદિરમાં જવા દેવા માટે પરવાનગી આપવામાં આવે. વકીલે કહ્યુ હતુ કે, ૧૦ વર્ષની થાય તે પહેલા તે સબરીમાલા જવા માંગે છે. કારણકે એ પછી તે ચાર દાયકાથી વધારે સમય માટે મંદિર નહીં જઈ શકે. તેના પર કોર્ટે કહ્યુ હતુ કે, અમારો વિચાર છે કે પિટિશન કરનારને તેના પિતા સાથે દર્શન કરવા દેવા માટે મંજૂરી આપવામાં આવે અને તે માટે વચગાળાનો આદેશ આપવામાં આવે. અહીં ઉલ્લેખનીય છે કે, ૮૦૦ વર્ષ જૂના આ મંદિર માટે માન્યતા છે કે, તેમાં બિરાજતા ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે અને એટલે જ અહીંયા યુવા મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી.